અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સના પ્રથમ વર્ષ પ્રવેશના મામલે વિવાદ સર્જાયા બાદ હવે પ્રવેશનો ત્રીજો રાઉન્ડ યોજાશે.પ્રથમ અને બીજા રાઉન્ડની પ્રક્રિયા ઓનલાઇન પૂર્ણ થઈ ગઈ છે,હવે ત્રીજા રાઉન્ડ માટે ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. જેમાં કોલેજ પર જઈને વિદ્યાર્થીઓએ ફોર્મ ભરીને પ્રવેશ મેળવવાનો રહેશે. હજુ ઓફલાઈન એડમિશન માટે 2 રાઉન્ડ થશે જેથી એક મહિના બાદ જ સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ શકશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં ધીમી ગતિએ ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયાને કારણે શૈક્ષણિક કાર્ય પણ મોડું શરૂ થશે.પ્રવેશ પ્રક્રિયામાં નાની મોટી ખામીઓ આવવાને કારણે વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા જેથી ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો અને તમામ વિભાગના ડીન ની તાજેતરમાં બેઠક મળી હતી જેમાં પ્રવેશ પ્રકિયા ઝડપી બનાવવા ચર્ચા કરવામાં આવી હતી જેથી કોમર્સ માટે 2 રાઉન્ડ જે ઓનલાઇન પૂર્ણ થયા છે તેથી ત્રીજા રાઉન્ડ હવે ઓફલાઈન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. 18 ઓકટોબરથી ત્રીજા રાઉન્ડ માટે ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. 18 ઓકટોબરે કોલેજોમાં ખાલી પડેલ સીટ અંગે વેબસાઇટ પર માહિતી મૂકવામાં આવશે જેમાં કઈ કોલેજમાં કેટેગરી પ્રમાણે કેટલી સીટ ખાલી છે તે જોઈ શકાશે.ખાલી પડેલ સીટ સાથે મેરીટ અને કટ ઓફ પણ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ જ્યારે ફોર્મ ભરે ત્યારે કોલેજની જગ્યા અને તેના મેરીટના આધારે ભરવાનું રહેશે જેથી વિદ્યાર્થીઓને જલ્દીથી કોલેજ મળી શકશે.
આ અંગે પ્રવેશ સમિતિના કન્વિનર જશવંત ઠક્કરે જણાવ્યું હતું કે કોમર્સ માટે પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડ ઓફલાઈન શરૂ કરી રહ્યા છે. 18 ઓકટોબરે કોલેજ પ્રમાણે સીટ જાહેર કરવામાં આવશે ત્યારબાદ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાનું રહેશે અને તે બાદ કોલેજ મેરીટ જાહેર કરશે પરંતુ મેરીટ જાહેર કર્યા પહેલા એડમિશન કમિટી પાસે મેરીટની ચકાસણી કરાવવી પડશે તે બાદ જ એડમિશન આપવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, હજુ ઓફલાઈન રાઉન્ડ થશે જેથી 2 રાઉન્ડ થવાની શક્યતા છે અને 15 દિવસ જેટલો સમય તેમાં પણ થઈ શકે છે. 18 તારીખથી ઓફલાઈન રાઉન્ડ શરૂ થશે જેથી 15 દિવસ પ્રક્રિયા ચાલશે જે બાદ દિવાળી શરૂ થશે જેથી દિવાળીની રજાઓ પણ આવશે અને તે બાદ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થશે જેથી એક મહિનો જેટલો સમય સંપૂર્ણ શિક્ષણ કાર્ય શરૂ થવામાં થશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા શરૂઆતથી યોગ્ય આયોજન ના કરવામાં આવ્યું જેના કારણે અત્યાર સુધી એડમિશન ઓલિયા ચાલી રહી છે અને હજારો વિદ્યાર્થીઓના એડમિશન બાકી છે. એડમિશન પ્રક્રિયા મોડા શરૂ થશે જેથી પરીક્ષા અને પરિણામ પર પણ અસર જોવા મળશે.