Site icon Revoi.in

અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથજીના મંદિરમાં અખાત્રિજના દિને ત્રણેય રથનું પૂજન કરાયું

Social Share

અમદાવાદઃ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના શુભદિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી રથમાં બીરાજીને નગરચર્યાએ નીકળતા હોય છે. શહેરમાં  જગન્નાથની 147મી રથયાત્રા 7 જુલાઈના રોજ યોજાશે,  ત્યારે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવ્યું હતું. જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મેયર પ્રતિભા જૈન, શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ સહિત સરસપુર મંદિરના ટ્રસ્ટીઓ અને મહંતોની હાજરીમાં રથનું પૂજન કરવામાં આવ્યું હતું.

જગન્નાથજીના મંદિરમાં અખાત્રીજના દિને ભગવાન જગન્નાજીના રથ સહિત ત્રણેય રથનું પૂજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું  હતું કે, અખાત્રીજનો દિવસ એટલે કે, અક્ષય તૃતીયાના દિવસથી ત્રણેય રથનું પૂજન વિશિષ્ટ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવે છે. પુરી ખાતે પણ અખાત્રીજના દિને રથનું પૂજન કરવામાં આવતું હોય છે,  અખાત્રીજના દિને અમદાવાદના જગન્નાથજીના મંદિરમાં પણ ત્રણેય રથનું પૂજન વિશિષ્ટ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું. સંતો-મહંતો અને શ્રદ્ધાળુઓની હાજરીમાં પૂજનવિધિ સંપન્ન કરવામાં આવી હતી. ભગવાનની ચંદનયાત્રા પણ થઈ હતી. આગામી સમયમાં 108 કળશમાં જળ ભરીને ભગવાનની જળયાત્રા યોજાશે.

ગત વર્ષે ત્રણેય રથ નવા તૈયાર કરવામાં આવ્યા હતા. ત્રણેય રથને ફૂલોથી સજાવવામાં આવ્યા હતા. દર ત્રણેય રથની પૂજામાં વિવિધમાં યજમાનો પણ હાજર રહ્યા હતા. ભગવાનને શીતળતા આપવા માટે ચંદનયાત્રા પણ યોજાઈ હતી. ભગવાનની ચંદનયાત્રા અને રથ પૂજનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રથ પૂજન અને ચંદનયાત્રા બાદ રથના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. જોકે, ગયા વર્ષે ભગવાનના નવા રથ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી આ વર્ષે સમાર કામની કોઈ કામગીરી હાથ ધરવામાં આવશે નહીં. માત્ર રથમાં કલર કામ કરવામાં આવશે.