દિલ્હીઃ ઈન્ડોનેશિયાના એરપોર્ટ પરથી 60થી વધારે પ્રવાસીઓ સાથે ઉડાન ભરનાર બોઈંગ વિમાન ક્રેશ થઈને દરિયામાં ખાબક્યુ હતુ. દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનો કાટમાળ જાવા દરિયામાંથી મળી આવ્યો છે. તેમજ વિમાનના બ્લેક બોક્સને પણ લોકેટ કરવામાં આવ્યું છે. બ્લેક બોક્સની મદદથી વિમાન દુર્ઘટનાનું ભોગ કેવી રીતે બન્યુ તેની જાણકારી મેળવી શકાશે.
ઈન્ડોનેશિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમને જાણકારી મળી છે કે દરિયાના પાણીની દ્દશ્યતા સારી હોઈ ડુબકીમારોની ટુકડીને વિમાનના કેટલાક ભાગનો તુરત જ પત્તો મેળવી શક્યા છે. વિમાનનો કેટલાક ભાગ મળ્યો છે. તેની પર બોઈંગનો નંબર પણ નોંધાયેલો છે. રેસ્ક્યુ ટીમના સભ્યોએ જાવાના દરિયામાંથી માનવ અવશેષ, ફાટેલા કપડા અને ધાતુના કેટલાક ટુકડા શોધી લીધા હતા. પરિવહન મંત્રીએ જણાવ્યું હતું કે, દુર્ઘટના સ્થળની જાણકારી મળતા જ ઉચ્ચ અધિકારીઓએ વિશેષ રેસ્ક્યુ ટીમોની સાથે મોટાપાયે શોધખોળ અભિયાન હાથ ધરી દીધુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જાકાર્તાના એક એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી જ મિનિટમાં વિમાનનો કન્ટ્રોલ રૂમ સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો. કન્ટ્રોલ રૂમ સાથે વિમાન સંપર્ક તૂટ્યા બાદ નૌકાદળના જહાજોને સોનાર સંકેત મળ્યા હતા. એથી વિમાનને શોધી કાઢવામાં સફળતા મળી હતી.