- શહેરના મુખ્ય માર્ગો પર બન્ને સાઈડમાં પાર્ક કરાતા વાહનો પાર્ક,
- પોલીસ દ્વારા રોડ પર પાર્ક કરેલા વાહનો સામે ઝૂંબેશ શરૂ કરાશે,
- યાત્રાળુઓ માટે પણ પાર્કિંગની કોઈ સુવિધા જ નથી
પાલિતાણાઃ જૈનના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પાલિતાણા શહેરમાં રોજબરોજ ટ્રાપિકની સમસ્યા માથાના દુખાવારૂપ બનતી જાય છે. પાલિતાણા તાલુકા મથક હોવાથી ગામડાંના લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. તેમજ યાત્રાધામ હોવાથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ પણ આવતા હોય છે. એટલે બજારો એટલી ભરચક બની જાય છે કે ચાલવાની પણ જગ્યા રહેતી નથી, બીજી બાજુ મુખ્ય બજારમાં રોડની બન્ને સાઈડ વાહનો પાર્ક કરતા હોવાથી વારંવાર ચકકાજામ સર્જાય છે. શહેરના માર્ગો પર આડેધડ પાર્કીંગ તેમજ પાથરણાવાળા અને લારીઓનો પણ જમાવડો જોવા મળે છે.
પાલિતાણા શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા જટિલ બની રહી છે. જેનું મુખ્ય કારણ જાહેર માર્ગો પર બન્ને સાઈડો પર વાહનો પાર્ક કરી દેવામાં આવતા હોવાથી માર્ગો સાંકડા બની જવાના કારણે વાહનો અને રાહદારીઓને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ લોક જાગૃતિના અભાવે બજારમાં કામ અર્થે આવતા કેટલાક લોકો પોતાના વાહનો જાહેર રસ્તાની બંન્ને બાજુ આડેઘડ પાર્ક કરતા હોય વાહનો અને લોકોની અવર જવરવાળા માર્ગો વાહનોના ખડકલાથી રોડ સાંકડા બની જતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે જેને લઈ બજારમાં લોકોને અવર જવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
પાલિતાણા શહેરના મુખ્ય રાજ માર્ગ બસ સ્ટેન્ડ રોડ, ઓવનબ્રીજ પુલ, ભૈરવનાથ ચોક, તળાજા રોડ, જુના પોલીસ સ્ટેશન વિસ્તાર, મેઈન રોડ વિસ્તારમાં દિવસ દરમિયાન અનેકવાર ટ્રાફિક જામ સર્જાતો હોય લોકો પરેશાન છે. શહેરની ટ્રાફિક સમસ્યા માથાના દુ:ખાવો સમાન બની છે. દરમિયાન પોલીસ અધિકારીના કહેવા મુજબ પાલિતાણા શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા તુરંતમાં પગલાં લેવામાં આવશે. શહેરમાં પાર્કિંગની વ્યવસ્થા કરવી જરૂરી છે. આ ઉપરાંત વાહનચાલકો ટ્રાફિકના નિયમો સમજે અને તેનું પાલન કરે તો ટ્રાફિકની સમસ્યા ના ઉદભવે. ટ્રાફિક સમસ્યાના નિરાકરણ અંગે પાલિતાણા શહેરના લોકો પોલીસ તંત્રને સાથ આપે તે અત્યંત જરૂરી છે. ટ્રાફિક સમસ્યા હલ કરવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.