અમદાવાદઃ બોટાદ-અમદાવાદ વચ્ચેની રેલવેની મીટર ગેજ લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતરનું કાર્ય પૂર્ણ થઈ ગયુ છે. ત્યારે રેલવે દ્વારા આ ટ્રેકના ઈન્સ્પેક્શન માટે કમિશનર ઓફ રેલવે સેફ્ટી (સીઆરએસ)ને જરૂરી દસ્તાવેજો સાથે પત્ર લખ્યો છે. ઓક્ટોબર દરમિયાન આ રૂટ પર સીઆરએસ ઈન્સ્પેક્શન પૂર્ણ કરી 15 નવેમ્બર સુધીમાં અમદાવાદથી બોટાદ સુધી ટ્રેન શરૂ કરાશે તેમ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, સાબરમતીથી બોટાદ લાઈનની ગેજ કન્વર્ઝનની કામગીરી કોરોનાને લીધે મોડી પડી હતી. હવે આ કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે લોકોની સતત માગણીને ધ્યાનમાં રાખી દિવાળી પછી આ રૂટ પર ટ્રેન શરૂ કરી દેવાશે. કોરોનાના કેસ ઘટ્યા બાદ હવે રેલવે દ્વારા 90 ટકા ટ્રેનોનું સંચાલન શરૂ કરી દેવાયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 2023ના અંત સુધીમાં દેશભરના તમામ ટ્રેકનું ઈલેક્ટ્રિફિકેશન કરી દેવાનો લક્ષ્યાંક છે. ત્યારે પશ્ચિમ રેલવેમાં 62 ટકા જેટલું ઈલેક્ટ્રિફિકેશન કામ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં ફક્ત 1800 કિલોમીટર રૂટનું ઈલેક્ટ્રિફિકેશન બાકી છે. જેમાંથી લગભગ 1000 કિલોમીટર રૂટનું ઈલેક્ટ્રિફિકેશન કામ 2021ના અંત સુધીમાં પૂર્ણ કરી દેવાશે. બાકીના 800 કિલોમીટરનું કામ 2022માં પૂર્ણ કરી દેવામાં આવશે.
બોટાદ-અમદાવાદ વચ્ચે બ્રોડગેજ લાઈન પર ટ્રેનો એકાદ મહિનામાં શરૂ કરી દેવામાં આવશે જેમાં પ્રથમ ગુડઝ ટ્રેનો દોડાવાશે. આ રૂટ્સ શરૂ થતાં ભાવનગર અમદાવાદ વચ્ચે પણ આ રૂટ્સ પર ટ્રેનો દોડાવવામાં આવશે. હાલ ભાવનગર – અમદાવાદ વચ્ચે દોડતી ટ્રેનોને વાયા સુરેન્દ્રનગર સુધીનું વધારાનું અંતર કાપવું પડે છે. એટલે બોટાદ-અમદાવાદનો આ રૂટ્સ શરૂ થતાં બાવનગર-અમદાવાદ વચ્ચેનું કિલોમીટરનું અંતર પણ ઘટશે અને સમયનો પણ બચાવ થશે.