ટ્રેનની અડફેટે સિંહના થતાં મોતને રોકવા પીપાવાવ-લીલીયા વચ્ચે ટ્રેન ધીમી ગતિએ દોડાવાશે
અમદાવાદઃ ગીરના જંગલમાં સિંહની વસતી વધતા હવે સિંહો રેવન્યુ વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લામાં રાજુલાથી લઈને કોસ્ટલ વિસ્તારોમાં પણ સિંહોએ વસવાટ શરૂ કર્યો છે. ત્યારે આ વિસ્તારમાં ટ્રેનોની અડફેટે આવી જતાં સિંહોના મોતના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે સિંહના અકુદરતી મોત અટકાવા આખરે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પીપાવાવ-લીલીયા વચ્ચે દોડતી માલગાડીઓની ઝડપ ઘટાડાશે. ટ્રેનની ઝડપ 100 નાં બદલે 40 કિ.મી. પ્રતિ કલાક કરવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેકની બંને બાજુ સોલાર એલઈડી લાઈટ પણ લગાડાશે. હાઈકોર્ટની ફટકાર બાદ રેલવે વિભાગની મહત્વની બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાતમાં સિંહોના ટ્રેનની અડફેટે મોત થવાના મુદ્દે હાઇકોર્ટે રેલવે અને વનવિભાગને એસઓપી બનાવવા આદેશ કર્યો હતો. જે અંતર્ગત જૂનાગઢ ખાતે રેલવે અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રેલવેના ડી.આર.એમ. અને વન વિભાગના સીસીએફ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પીપાવાવ લીલીયા વચ્ચે દોડતી ટ્રેનોની સ્પીડ ઓછી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે અહીં ટ્રેનો 100ને બદલે હવે 40 કિ.મી.ની સ્પીડે દોડાવાશે. એટલે દરથી સિંહને ટ્રેક પર જોતા ટ્રેનને અટકાવી શકાય,
સૂત્રોના કહેવા મુજબ પીપાવાવ લીલીયા રેલ્વે ટ્રેક પર 24 કલાકમાં 25 જેટલી ટ્રેનોની અવરજવર થાય છે. આ ટ્રેક પર 70 થી લઈ 100ની સ્પીડે તમામ ટ્રેનો દોડાવાઈ રહી હતી. પરંતું નવા નિર્ણય મુજબ, હવે પ્રતિ કલાક 40 થી ઝડપે ટ્રેનનું પરિવરન શરુ કરી દેવાયુ છે. સાથે જ રેલવે ટ્રેકની આસપાસ એલઈડી સોલાર લાઈટ લગાવવાનો નિર્ણય લેવાયો છે. અન્ય રાજ્યના અભ્યારણ્યોમાં ચાલતી ટ્રેનોની એસઓપીનો પણ અભ્યાસ કરવાનો કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં નક્કી થયા મુજબની એસઓપી હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં ગુજરાતમાં સિંહોના અકાળે મૃત્યુ મુદે કોર્ટે સુઓમોટો લીધી હતી. જેમાં અભયારણમાંથી રેલવે લાઇનથી સિંહોના મૃત્યુ થતા હોવાની રજુઆત કરાઈ હતી. (File photo)