ગાંધીનગરઃ રાજ્યમાં માર્ગ-મકાન તેમજ સિંચાઈ વિભાગને વધુ ગતિશીલ બનાવવા સુચના આપવામાં આવી છે. ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવા માટે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી પણ આવા જ પ્રકારના પગલાઓ લેવા માટે તૈયાર થઈ રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગના તથા સિંચાઇ વિભાગના 800 જેટલા એન્જિનિયરોની બદલી નું લિસ્ટ તૈયાર થઈ ગયું છે અને આગામી સપ્તાહના પ્રારંભમાં જ બદલીની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના માર્ગ મકાન વિભાગ અને સિંચાઈ વિભાગમાં સતત ત્રણ વર્ષથી નોકરી કરી રહેલા કર્મચારીઓની બદલીઓ સાથે 800 એન્જિનિયરોની પણ બદલીઓ કરાશે. જોકે આ તો રુટીન પ્રક્રિયા છે તેવી વાતો સિંચાઈ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે પરંતુ હકિક્ત છે કે, ચોમાસાની ચાલુ સિઝન બાદ રાજ્યભરમાં રસ્તાઓનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે અને પ્રજામાંથી વ્યાપક ફરિયાદો ઉઠયા બાદ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ લોકો પાસેથી વોટ્સએપ પર ફરિયાદો માંગી હતી અને તેના નિકાલ માટે તંત્રને જણાવ્યું હતું. પરંતુ અમલવારીમાં ઢીલાસ જણાતા બદલીઓનો મોટો દોર ભૂતકાળમાં કદી ન થયો હોય તેટલી મોટી સંખ્યામાં આવી રહ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પંચાયત અને રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગ અને સિંચાઈ વિભાગમાં ચાર વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા અધિક મદદનીશ ઇજનેર, કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેર સહિતના 800 જેટલા એન્જિનિયરોનુ લિસ્ટ તૈયાર કરવાનો ધમધમાટ પંચાયત અને રાજ્યો સરકારના આ બંને વિભાગોમાં થઈ રહ્યો છે. કહેવાય છે. કે, આગામી તારીખ 27 આસપાસ બદલીઓની સામૂહિક જાહેરાત કરવામાં આવશે અને તેના કારણે અનેક અધિકારીઓ અને ઇજનેરોની દિવાળી બગડે તેવું જણાઈ રહ્યું છે.