પાલનપુરઃ યાત્રાધામ અંબાજી અરવલ્લીની ગીરી કંદરાઓ વચ્ચે આવેલું છે. દાંતાથી અંબાજીનો હાઈવે વાંકોચુકો અને પહાડી વિસ્તારમાંથી પસાર થાય છે. આ હાઈવે પર વાહનચાલકો તકેદારી ન રાખે તો અકસ્માત સર્જાવવાનો ભય રહેતો હોય છે. ત્યારે દાંતા નજીક ધાબાવાળી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રકના ચાલકે ઢોળાવવાળા હાઈવે પર કાબુ ગુમાવતા ટ્રક 70 ફુટ ઊંડી ખાઈમાં ખાબક્યો હતો. જોકે ફાયર બ્રિગેડના જવાનોએ દોડી આવીને ટ્રકના ચાલકને બચાવી લીધો હતો.
બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો મોટા ભાગે પહાડી અને ઢળાંગવાળો વિસ્તાર છે. દાંતા તાલુકામાં અનેકો બેફામ વાહન ચાલકોના લીધે ઘણીવાર અકસ્માતો સર્જાતા હોય છે. તો સાથે સાથે આ વિસ્તાર ઢોળાવ અને પહાડી હોવાના કારણે પણ અકસ્માતો સર્જાતા હોય છે. યાત્રાધામ અંબાજીના બધી બાજુ આવવા અને જવાના તમામ માર્ગો પણ પહાડી વિસ્તાર છે. ત્યારે અમુકવાર વાહનના બ્રેક ફેલ પણ થતી હોય છે, ત્યારે અમુક વાહનો ઓવરલોડ ભરેલા હોય છે. જેના કારણે પણ અકસ્માતો સર્જાતા હોય છે. આજે અંબાજીથી દાંતા હાઈવે માર્ગ વચ્ચે એક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો.
અંબાજી-દાંતા હાઇવે માર્ગ વચ્ચે ટ્રકનું અકસ્માત સર્જાતા ટ્રક ખાઈમાં ખાબક્યો હતો. અંબાજી-દાંતા વચ્ચે આવેલા ધાબાવાળી ગામ પાસે આ અક્સ્માત થયો હતો. ધટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે દોડી આવી રેસ્ક્યૂ કરીને ટ્રકમાં ફસાયેલા ટ્રક ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં કોઇ જાનહાની સર્જાઈ ન હતી અને ટ્રક ખાલી હતો. અકસ્માત સર્જાતા ટ્રક 70 ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ગાયને બચાવવા જતા આ અક્સ્માત સર્જાયો હતો. છેલ્લા 3 દિવસમાં અંબાજી પાસે ટ્રક અકસ્માતની 2 ઘટનાઓ સર્જાઈ છે. આજે ટ્રકનું અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્તને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. અંબાજી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.