રાજકોટઃ કોરોનાના કેસ ઘટતા અને સરકારે નિયંત્રણો હળવા કરતા હવે રાજકોટ માર્કેટ યાર્ડમાં ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ જિલ્લાના સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.આગામી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ડી.કે.સખિયા અને વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજાના શાસક જૂથ સામે ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનું જૂથ ટકરાશે તેવા નિર્દેશો મળી રહ્યા છે. જો નવા કૃષિ કાયદા મુજબ ચૂંટણી લડાય તો બે ટર્મ કે તેથી વધુ સમય સુધી ડિરેકટર પદે રહ્યા હોય તેવા ડિરેકટર્સ ચૂંટણી લડી શકશે નહીં.
રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ આમને સામને ટકરાશે કે સમાધાન થઈ જશે કે પછી રાજકોટ–લોધીકા સઘં અને રાજકોટ ડેરીવાળી થશે? તે અંગે સહકારી ક્ષેત્રમાં ઉત્તેજનાસભર ચર્ચા જાગી છે. રાજકોટ માર્કેટ યાર્ડના બોર્ડમાં ત્રણ સરકાર નિયુકત સહિત કુલ 19 બેઠકો છે. 16 બેઠકો માટે ચૂંટણી થશે જેમાં ખેડૂત વિભાગની 10 (અગાઉ 8 હતી હવે બેઠક વધી છે), વેપારી વિભાગની 4, સહકારી ખરીદ–વેચાણ સઘં વિભાગની 2 બેઠકનો સમાવેશ થાય છે. રાજકોટ માર્કેટ યાર્ડ એ સૌરાષ્ટ્ર્રનું સૌથી મોટુ માર્કેટ યાર્ડ છે અને તેના કાર્યક્ષેત્ર હેઠળ રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના 180 ગામોનો સમાવેશ થયા છે. યાર્ડની ચૂંટણીમાં 180 ગામોના ખેડૂતો મતદાન કરે છે.
રાજકોટ માર્કેટ યાર્ડના વર્તમાન બોર્ડ ઓફ ડિરેકટર્સની મુદત આગામી તા. 8-07-2021ના રોજ પૂર્ણ થઈ રહી છે. કોરોનાના લીધે સહકારી સંસ્થાઓની મોકૂફ રખાયેલી ચૂંટણી યોજવા લીલીઝંડી મળી જતા હવે યાર્ડની ચૂંટણી પ્રક્રિયા આગળ ધપશે. રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી હવે ટૂંક સમયમાં જાહેર થનાર છે ત્યારે પાંચ–પાંચ વર્ષથી ચૂંટણી લડવા આતુર અનેક મુરતીયાઓમાં થનગનાટ વ્યાપી ગયો છે. રાજકોટ જિલ્લાની અન્ય સહકારી સંસ્થાઓની ચૂંટણી બાદ સૌથી છેલ્લે યાર્ડની ચૂંટણી યોજાનાર છે ત્યારે તેમાં શું થશે? તેની સૌને ઈંતેજારી છે.