ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. તમામા રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ વિધાનસભાનું છેલ્લુ બે દિવસીય ચોમાસુ સત્ર 21મી સપ્ટેમ્બરથી મળશે. આ બે દિવસીય સત્રમાં ચાર બેઠકો મળશે.
રાજ્યના વૈધાનિક અને સંસદીય વિભાગના સત્તાવાર સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે તારીખ 21 અને 22 સપ્ટેમ્બરના રોજ બે દિવસીય વિધાનસભાનું સત્ર યોજાશે. આ સત્રમાં 4 બેઠક યોજવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. સત્ર દરમિયાન બે સુધારા વિધેયક રજૂ થઈ શકે છે બે દિવસીય વિધાનસભાના સત્ર દરમિયાન બે સરકારી વિધેયક રજૂ થઈ શકે છે. વૈધાનિક અને સંસદીય વિભાગ દ્વારા કામકાજનું કેલેન્ડર બનાવાયા બાદ વિધાનસભા ખાતે કામની યાદી મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા 14મી વિધાનસભાનું આ અંતિમ અને છેલ્લું ચોમાસુ સત્ર યોજાશે. ત્યાર બાદ દિવાળી પછી તાત્કાલિક ધોરણે ગુજરાત વિધાનસભા વર્ષ 2022ની ચૂંટણીની સત્તાવાર જાહેરાત પણ થશે, જ્યારે આ બે દિવસે વિધાનસભા સત્રમાં બે સુધારા બિલ પણ રજૂ કરવામાં આવશે.
ગુજરાતમાં ડિસેમ્બર માસના મધ્ય કાળ સુધીમાં નવી સરકારની રચના થઈ જશે, ત્યારે આગામી માર્ચ માસમાં યોજાનારા શિયાળુ સત્રમાં નવી સરકાર બજેટ રજૂ કરશે. આમ, 15મી વિધાનસભામાં નવી સરકાર નવા બજેટનો પ્રારંભ કરાવશે. થોડા સમય અગાઉ ઊંજા વિધાનસભાના મહિલા ધારાસભ્ય ડો. આશા પટેલ અને ભીલોડા બેઠકના ધારાસભ્ય ડો. અનિલ જોશિયારાનું નિધન થતાં આ બંને બેઠકો ખાલી પડી છે. નિયમ મુજબ ખાલી પડેલી બેઠક પર 6 માસમાં પેટા ચૂંટણી યોજવાની હોય છે.