ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્ર તા.12મી સપ્ટેમ્બરથી બોલાવવામાં આવે તેવી શક્યતા છે. આગામી કેબીનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ રાજ્યપાલ દ્વારા આહવાન કરાશે. ભૂપેન્દ્ર પટેલની સરકારનું વિધાનસભાનું આ છેલ્લુ સત્ર હશે, કારણ કે નવેમ્બર કે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, અને ઓક્ટોબરમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત પણ કરી દેવામાં આવે એવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પણ 6 મહિના પૂર્ણ થયા હોવાથી 12મી સપ્ટેમ્બરથી બે દિવસનું ટુંકુ સત્ર બોલાવવામાં આવે તેવી શક્યતાઓ છે.આ સત્ર પટેલ સરકારના છેલ્લા સત્રની સાથે ચૂંટાયેલા તમામ ધારાસભ્યો માટે પણ વિધાનસભા ગૃહની બેઠક અંતિમ બેઠક રહેશે. કેમ કે, ડિસમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી હોવાથી જાન્યુઆરી સુધીમાં નવી 15મી વિધાનસભાનું ગઠન થઈ જશે. આ અંગેનો નિર્ણય ટુંક સમયમાં કેબિનેટની બેઠકમાં કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર બરખાસ્ત કર્યા બાદ નવી બનેલી ભૂપેન્દ્ર પટેલની સરકારે માર્ચ મહિનામાં વિધાનસભામાં બજેટ પસાર કર્યું હતું. વિધાનસભાના નિયમ મુજબ 6 મહિનામાં વિધાનસભાની બેઠક બોલાવવી પડે તે જોતાં સપ્ટેમ્બર મહિનામાં વિધાનસભાનું ચોમાસુ સત્ર બોલાવવામાં આવી શકે છે. ખાસ કરીને સપ્ટેમ્બરના અંતમાં નવરાત્રી છે. ટુંકા સત્ર અંગે રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે મુખ્યમંત્રી કક્ષાએથી ચર્ચા વિચારણાઓ અને બેઠકો શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને સરકારના એક વર્ષની કામગીરીનું સરવૈયું પણ આ સત્રમાં રજુ કરવામાં આવી શકે છે. ગુજરાત વિધાનસભામાં હાલ 178 ધારાસભ્યો છે. ધારાસભ્યોનું પણ આ અંતિમ સત્ર રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગત બીજી માર્ચે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટનું રજૂ કર્યું હતું. ચૂંટણીનું વર્ષ હોવાથી નવા કરવેરા પણ લાદવામાં આવ્યા નહોતા. સરકારે બજેટમાં 4 હજાર ગામોને ફ્રી વાઇફાઈની સુવિધા આપવાની જોગવાઈ પણ કરી હતી. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના એક અહેવાલ અનુસાર ગુજરાત સરકાર વિધાનસભામાં વિપક્ષના જે સવાલોનો મૌખિક જવાબ આપવાનો હોય છે તેવા તારાંકિત પ્રશ્નોના જવાબ મામલે મૌન રહી છે.વર્ષ 2017થી 2022ના પાંચ વર્ષના વિવિધ સત્રોમાં ગુજરાતની પ્રજાના પ્રતિનિધિઓએ સરકાર અને મંત્રી સમક્ષ 38,121 પ્રશ્નો પૂછ્યા હતા તેમાંથી માત્ર બે ટકા કે 600 પ્રશ્નોના જ જવાબ આપવામાં આવ્યા હતાં. બીજી તરફ રાજસ્થાન કરતાં ગુજરાત વિધાનસભાની કામગીરીની ટકાવારી પણ ઓછી નોંધાઈ છે.