કચ્છના લખપત તાલુકાના બે મુખ્ય માર્ગો પર 10 દિવસથી ભરાયેલા પાણી ઉતરવાનું નામ નથી લેતા
લખપતઃ કચ્છમાં મેઘરાજા વધુ મહેરબાન થયા હોય તેમ આ વખતે સોરોએવો વરસાદ પડ્યો છે. જેમાં છેવાડાના લખપત તાલુકામાં 21 ઇંચ વરસાદ પડયા બાદ મોટા ભાગના રસ્તાઓની હાલત અતિ દયનીય બની ગઈ છે. તેમાંય તાલુકાના મહત્વના બે માર્ગ ઘડુલીથી પાનધ્રો અને નારાયણ સરોવરથી બરંદા હાઈવે છેલ્લા 10 દિવસથી બંધ છે. આ બન્ને માર્ગો પર પાણી ભરાયેલા હોવાથી હજુય ચાલુ થઇ શકયા નથી. પરિણામે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ લખપત તાલુકામાં ધોધમાર વરસાદને કારણે છેલ્લા 10 દિવસથી પાનધ્રો અને નારાયણ સરોવર જતા હાઈવે પર ભરાયેલા પાણી ફતરવાનું નામ લેતા નથી. પાનધ્રો કાળી નદીનો પ્રવાહ ચાલુ હોવાથી પાનધ્રોથી ફુલરા વચ્ચે આ માર્ગ બંધ છે. પરિણામે વર્માનગર કે નારાયણ સરોવરથી આવતી એસ.ટી. બસ, ખાનગી વાહનોવાળા સુભાષપર થઇને નીકળી જાય છે, ફુલરા, ધારેશી, ઘડુલી, વિરાણીના મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. નારાયણ સરોવરથી માંડવી નેશનલ હાઇવે નં. 41 પણ 10 દિવસથી બંધ છે. બરંદા પાસે આવેલુ નરેડી અને લક્ષ્મી રાણીથી એક કિ.મી.દૂર આમ બે જગ્યાએ પાણી ભરેલાં છે. ડેમનું ઓગન આ રસ્તા પર આવતાં આ પાણી જલ્દી ઓછું થવાનું પણ નથી. હાલમાં પણ પુલ ઉપરથી પાણી જાય છે, જેથી વાહનો જઈ શકતાં નથી. આ રસ્તાનું કલેકટર પણ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. છતાં કોઇ ફળશ્રુતિ હજુ નથી. માંડવીથી તીર્થધામને જોડતો આ માર્ગ મહત્વનો છે ત્યારે જલ્દી ચાલુ કરાય તેવી લોકમાંગ ઊઠી છે.
આ ઉપરાંત તાલુકામાં મોટા ભાગના માર્ગો પર મોટાં ગાબડાં પડી ગયાં છે. મુખ્ય મથક દયાપર બસ સ્ટેશન પાસે કોઝવેમાં નજીક તળાવ હોવાના કારણે વારંવાર પાણી ભરાઇ જાય છે. પરિણામે નાના વાહનો દ્વિચક્રી વાહનોને મુશ્કેલી પડે છે. આ ક્રોઝવે પર પુલ બનાવવાની તાતી જરૂર હોવાનું જાગૃતોએ જણાવ્યું હતું. જેથી જિલ્લા મથકને જોડતો મહત્વનો હાઇવે બંધ ન થાય. જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે દયાપર ક્રોઝવે અને નખત્રાણા ક્રોઝવે કલાકો સુધી બંધ થઇ જાય છે. કોઇ બિમારી કે, તત્કાળ સમયે જિલ્લા મથકે પહોંચવું મ્શ્કેલ બને છે. હાલમાં દયાપર ક્રોઝવેમાં રેતી ભરાઇ ગઇ છે. જેને તાત્કાલિક સાફ કરાય જેથી અકસ્માત ટાળી શકાય. આ ક્રોઝવેમાંથી જ પૂર્વ બાજુ મોરગર જવાનો રસ્તો છે તે પણ જર્જરિત બની ગયો છે અને પથ્થર દેખાઇ રહ્યા છે. આ ઉપરાંત જિ.પં. હસ્તક આવતાં માર્ગોને ઘણું નુકસાન થયું છે. જેનું તાત્કાલિક મરામત હાથ ધરાય તેવી માંગ ઊઠી છે.