Site icon Revoi.in

વડોદરામાં ગરબા સ્પર્ધામાં વિજેતા બનેલી બે ટીમો હવે રાજ્યકક્ષાએ ભાગ લેશે

Social Share

વડોદરાઃ ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી વડોદરા દ્વારા નવરાત્રી મહોત્સવ અંતર્ગત ગરબા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબામાં બે ટીમ વિજેતા થઈ હતી. વિજેતા બન્ને ટીમો રાજ્યકક્ષાએ ભાગ લેશે.

વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન કક્ષાની રાસ-ગરબાની સ્પર્ધા તાજેતરમાં  સર સયાજીરાવ નગર ગૃહ ખાતે યોજવામાં આવી હતી. આ ગરબા સ્પર્ધામાં 13 એન્ટ્રી આવી હતી. આ સ્પર્ધામાં પ્રાચીન અને અર્વાચીન ગરબા વિભાગમાં પ્રથમ આવનાર ટીમને રાજ્ય કક્ષાના ગરબા સ્પર્ધામાં ભાગ લેવા માટે મોકલવામાં આવશે. અર્વાચીન ગરબામાં સંગીતમ આર્ટની ટુકડી અને પ્રાચીન ગરબામાં  ગણેશ સાર્વજનિક યુવક મંડળની ટુકડી વિજેતા થઈ હતી. વીએમસી  દ્વારા દર વર્ષની માફક આ વખતે પણ શહેર સ્તરની ગરબા સ્પર્ધાનું આયોજન તા.13 અને 14 ઓકટોબરના રોજ કરવામાં આવ્યુ હતું. પરંતુ છેલ્લી ઘડીએ હવે આ ગરબા સ્પર્ધા કોર્પોરેશનના બદલે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આ વર્ષથી યોજવાનું નક્કી થતાં ગરબા સ્પર્ધા બે દિવસ મોડી આયોજિત થઈ હતી. શહેર સ્તરની ગરબા સ્પર્ધા  મ્યુનિ. કોર્પોરેશન વર્ષોથી યોજતું હતું ,પરંતુ આ વખતથી ફેરફાર થયો છે. શહેર સ્તરની ગરબા સ્પર્ધા ગયા વર્ષે સયાજીરાવ નગરગૃહ ખાતે યોજવામાં આવી હતી. આ  ગરબા સ્પર્ધામાં કુલ 19 એન્ટ્રી આવી હતી.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સંસ્કારીનગરી ગણાતા વડોદરા શહેરમાં રાસ-ગરબા માટે મહિનાઓથી મોટાભાગના યુવક-યુવતીઓ કોચિંગ લેતા હોય છે. એટલે અન્ય શહેરો કરતા વડોદરામાં ટ્રેડિશનલ ગરબાઓનો અનોખો ટ્રેન્ડ જોવા મળે છે.