યુગાન્ડાના રાજદુતે લીધી CMની શુભેચ્છા મુલાકાત, વિવિધ ક્ષેત્રોમાં સહભાગીતાની ઈચ્છા દર્શાવી
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત યુગાન્ડાના ભારત સ્થિત એમ્બેસેડર અને ડેપ્યુટી હેડ ઓફ મિશન સુશ્રી એમ્બ માર્ગારેટ એલ ક્યોગિર અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત અને યુગાન્ડાના એક સદીથી વધુના ઐતિહાસિક સંબંધોના પરિણામે ડિફેન્સ, ઇકોનોમિક, ટ્રેડ એન્ડ કલ્ચર, એજ્યુકેશન તથા હેલ્થકેર અને ટુરીઝમના સંબંધોનો સેતુ મજબૂત બન્યો છે તેમ બેઠકની વાતચીતમાં જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, ભારત-યુગાન્ડામાં ખાનગી ક્ષેત્રો વચ્ચેના જોડાણથી યુગાન્ડામાં ભારતીય તથા ગુજરાતીઓના વ્યવસાયો વ્યાપક બન્યા છે. યુગાન્ડાના રાજદૂતએ તેમના રાષ્ટ્રમાં ઉદ્યોગ-વેપારને ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ફ્રીલેન્ડ, ટેક્ષ હોલી-ડે, ટેકનોલોજી ટ્રાન્સફરમાં સરળતા જેવા જે વિશેષ પ્રોત્સાહનો અપાય છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, ગુજરાત અને ભારતના અનેક ઉદ્યોગ ગૃહોની યુગાન્ડામાં
પ્રેઝન્સ છે. એટલું જ નહીં, આફ્રિકન દેશો સાથે ટ્રેડ એન્ડ કોમર્સ માટે યુગાન્ડા મહત્વપૂર્ણ લોકેશન પણ બન્યું છે.
તેમણે ગુજરાત સાથે મેન્યુફેક્ચરીંગ, એગ્રીકલ્ચર, હેલ્થ કેર, કન્સ્ટ્રક્શન, એજ્યુકેશન તથા સ્કીલ ડેવલપમેન્ટ માટે વોકેશનલ અને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટર જેવા સેક્ટર્સમાં સહભાગીતાની ઈચ્છા દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ એપ્રોચ અને ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પોલીસીઝની જાણકારી આપી હતી અને ભારત-ગુજરાત-યુગાન્ડાના સંબંધોને વધુ વ્યાપક બનાવવા વાઇબ્રન્ટ સમિટ-2024માં જોડાવા આમંત્રણ પાઠવ્યું હતું.
તેમણે યુગાન્ડા દ્વારા ઉદ્યોગ-વેપારને અપાતા ઇન્સેન્ટિવ્ઝ સહિતના ક્ષેત્રોના અભ્યાસ માટે ગુજરાતનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ આગામી વાઇબ્રન્ટ સમિટ પછી યુગાન્ડાની મુલાકાતે જાય તેવી નેમ પણ વ્યક્ત કરી હતી.
આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર તેમજ ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. શ્રી ગૌરાંગ મકવાણા પણ જોડાયા હતા.