નવી દિલ્હીઃ UGC-NETની પરીક્ષા હવે 16 જૂનને બદલે 18 જૂને લેવામાં આવશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન- નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ-યુજીસી નેટ હવે આ વર્ષે 18મી જૂને યોજાશે. UPSC પ્રિલિમિનરી અને NET પરીક્ષાઓની તારીખોના અથડામણને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુપીએસસી સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી એક્ઝામ 2024ને લઈને યુજીસી-નીટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
NTAએ જણાવ્યું કે પરીક્ષાના 10 દિવસ પહેલા NTAની વેબસાઈટ પર પરીક્ષા કેન્દ્ર શહેર દર્શાવવામાં આવશે. યુજીસી-નેટ એ જુનિયર રિસર્ચ ફેલોશિપ અને યુનિવર્સિટી અને કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની નિમણૂક માટેની પાત્રતા કસોટી છે. NTA એક જ દિવસે OMR (પેન અને પેપર) મોડમાં 83 વિષયો માટે UGC-NET પરીક્ષાનું આયોજન કરશે.
અગાઉ નેટ યુજીસીની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવતી હતી. આ વખતે આ પરીક્ષા ઓફલાઈન રહેશે. યુજીસી નેટ માટેની અરજી પ્રક્રિયા હજુ ચાલુ છે. છેલ્લી તારીખ 10મી મે છે. અરજી ફી જમા કરવાની છેલ્લી તારીખ 11-12 મે છે. કરેક્શન વિન્ડો 13 મેના રોજ ખુલશે, જ્યારે તે 15 મેના રોજ બંધ થશે. પરીક્ષાના એક સપ્તાહ પહેલા એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી એક્ઝામ 2024 પણ 16 જૂને જ લેવામાં આવનાર છે. જેના કારણે ઉમેદવારોએ UGC NET પરીક્ષાની તારીખ બદલવાની માંગણી કરી હતી, જેને કારણે UPSCએ પ્રિલિમ પરીક્ષા 26મી મેથી 16મી જૂન સુધી મુલતવી રાખી હતી. યુજીસી નીટની પરીક્ષાને લઈને ઉમેદવારો દ્વારા હાલ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
(PHOTO-FILE)