ગાંધીનગરઃ રાજ્યના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટીનો તારીખ 19મી, જાન્યુઆરી-2023થી પ્રારંભ થશે. કસોટી માટે પ્રશ્નપત્રોને શાળાના આચાર્યોએ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરીને તેની કોપી કઢાવીને વિદ્યાર્થીઓને આપવાના રહેશે. એકમ કસોટી બાદ શાળાઓમાં પ્રિલિમરી પરીક્ષા લેવાશે. એકમ કસોટી માટેના પ્રશ્નપત્રો શિક્ષણ બોર્ડ દ્વારા કાઢવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે તા,19મી જાન્યુઆરીને ગુરૂવારથી એકમ કસોટીનો પ્રારંભ થશે. શાળાઓએ પ્રશ્નપત્રોને શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાના રહેશે. જોકે એકમ કસોટીની પરીક્ષા પારદર્શક રહે તેવું આયોજન કરવાની શાળાના સંચાલકોને શિક્ષણ બોર્ડે સુચના આપવામાં આવી છે. જોકે શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી એકમ કસોટી માટેનો અભ્યાસ ક્રમ ગત તારીખ 1લી, ડિસેમ્બર-2022થી તારીખ 15મી, જાન્યુઆરી-2023 સુધીનો રાખવામાં આવ્યો હોવાનો આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એકમ કસોટીમાં ધોરણ-9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી પ્રથમ અને સેકન્ડ ભાષા, સાયન્સ એન્ડ ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન, ગણિત વિષયની પરીક્ષા લેવાશે. એકમ કસોટી માટે કયા કયા વિષયના કેટલા પ્રકરણનો સમાવેશ કરાયો છે, તે સહિતની જાણકારી આદેશની સાથે મોકલી આપવામાં આવી છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહના અંગ્રેજી પ્રથમ અને દ્વિતિય ભાષા, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, આંકડાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, નામાનાંમૂળતત્વો વિષયોનો સમાવેશ કર્યો છે. જ્યારે સાયન્સના ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌત્તિકવિજ્ઞાન, જીવવિજ્ઞાન, અંગ્રેજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એકમ કસોટી પૂર્ણ થયા બાદ શાળાઓ દ્વારા પ્રિલિમ પરીક્ષાઓ લેવાશે.