નવી દિલ્હીઃ અર્થવ્યવસ્થાના મોરચે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રએ (UN) વર્ષ 2024માં ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને વધારીને 6.9 ટકા કર્યો છે. જાન્યુઆરીની શરૂઆતમાં, સંયુક્ત રાષ્ટ્રએ 2024 માટે ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર 6.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.
યુનાઈટેડ નેશન્સે જાહેર કરેલા તેના અહેવાલમાં ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ દરના અનુમાનમાં સુધારો કર્યો છે અને વર્ષ 2024માં લગભગ 7 ટકાના દરે વૃદ્ધિ થવાનો અંદાજ લગાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે, મજબૂત જાહેર રોકાણ અને ફ્લેક્સીબલ ખાનગી વપરાશના કારણે ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત રહેશે.
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર, વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થા 6.9 ટકાના વિકાસ દરે વૃદ્ધિ પામશે, જ્યારે 2025માં આ દર 6.6 ટકા રહેશે. અહેવાલ મુજબ, ભારતને મજબૂત સ્થાનિક માંગ અને ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાં મજબૂત વૃદ્ધિનો ફાયદો થયો છે. તે જ સમયે, વૈશ્વિક અર્થતંત્ર 2024 માં 2.7 ટકાના દરે વૃદ્ધિની અપેક્ષા છે, જે જાન્યુઆરીના અનુમાન કરતાં 0.3 ટકા વધુ છે.
નોંધનીય છે કે આ અઠવાડિયે મૂડીઝે ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં ભારતના આર્થિક વિકાસ દરને સુધારીને 6.6 ટકા કર્યો છે અને છેલ્લા નાણાકીય વર્ષ 2023-245 માટે વાસ્તવિક જીડીપી અંદાજ 8 ટકા કર્યો છે.