Site icon Revoi.in

ગુજરાતના નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા શહેરી વિકાસ વિભાગ પણ સક્રિય

Social Share

અમદાવાદ:  ગુજરાતના મહાનગરોથી લઈને તમામ શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા તંત્ર માટે માતાના દુઃખાવારૂપ બની છે. ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કર્યા બાદ પણ રખડતા ઢોરની સમસ્યામાં ખાસ ઘટાડો થયો નથી. રોડ પર રખડતા અને અકસ્માત સર્જીને માનવ જીવન પર જોખમ સર્જી રહેલા ઢોરને નિયંત્રીત કરવામાં રાજયનું તંત્ર નિષ્ફળ રહ્યું છે અને રખડતા ઢોર અનેક વખત રાહદારીને ઢીંકે ચડાવીને મૃત્યુ પણ થાય તે રીતે ઘાયલ કરે છે .આ સ્થિતિ વચ્ચે હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રખડતા ઢોર પકડવા અને આ સમસ્યાનો કાયમી રીતે ઉકેલ આવે તે માટે ફકત મહાપાલિકા કે નગરપાલિકા જ નહી પણ શહેરી વિકાસ વિભાગને પણ સૂચના આપી છે. મહાનગરો વિકસતા જાય છે અને તેની આસપાસના ક્ષેત્રો માટે રાજય સરકારે અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી રચી છે,  ભવિષ્યના ટાઉન પ્લાનીંગ વખતે પણ આ સમસ્યાને ધ્યાનમાં લેવાની સુચના આપી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મહાનગરોની આસપાસ આડેધડ વિકાસ થતો હોવાથી તેને નિયંત્રીત કરવામાં આ ઓથોરીટી મહત્વની ભૂમિકા ભજવે છે. જે મહાનગરપાલિકાની સાથે સંકલન કરીને રખડતા ઢોરની સમસ્યાનો અંત લાવશે. રાજય સરકારે તેની ગત ટર્મમાં રખડતા ઢોર અને પશુઓ પર નિયંત્રણ માટે વિધાનસભામાં ધ ગુજરાત કેટલ કંટ્રોલ (કીપીંગ એન્ડ મુવીંગ) ઈન અર્બન એરીયા-2022 મંજુર કરાવ્યું હતું પણ તેની આકરી જોગવાઈ સામે માલધારી સમાજે જબરો વિરોધ નોંધાવ્યો હતો. અને વિધાનસભા ચૂંટણી આવી રહી હોવાથી રાજકીય રીતે આ કાનૂન ‘મોંઘો’ પડશે તેવું જણાતા તેનો અમલ જ થયો નહી. બાદમાં આ કાનૂન અભેરાઈએ ચડી ગયો છે અને વિધાનસભામાં પણ તે પાછો ખેચી લેવાયો  હતો. હવે સરકાર તે અથવા થોડી હળવી જોગવાઈ સાથેનો કાનૂન પરત લાવવા માંગે છે કે કેમ તે હજુ નિશ્ચિત નથી. પરંતુ શહેરી વિકાસ વિભાગમાં આ પ્રકારે એક સમાન નીતિ અમલમાં મૂકવા જણાવાયુ છે. શહેરી વિકાસ વિભાગ એ મહાનગરપાલિકામાં ઉપરાંત નગરપાલિકામાં અને નગરપંચાયતોને સાથે રાખીને કામગીરી કરશે. ઉપરાંત સ્થાનિક સ્તરે પણ મહાનગરપાલિકાએ પાલતુ ઢોરને રાખવા તેને સાચવવા અંગે નિયમો બનાવ્યા છે અને જાહેરમાં ધારા વેચવા કે ઢોરને ખવરાવવા પર પણ નિયંત્રણો છે.