અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસે તપાસ આરંભી છે. બીજી તરફ નશીલા દ્રવ્યોની હેરાફેરી કરનારાઓ નવી-નવી તરકીબ અજમાવી રહ્યાં છે. હવે મહિલાઓ અને બાળકો મારફતે નશીલા દ્રવ્યોની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગરમાં એક મહિલા ગાંજા સાથે ઝડપાઈ હતી. દરમિયાન આજે સુરતમાં એક વિદ્યાર્થી અફીણ સાથે ઝડપાયો હતો. સ્કૂલ બેગમાં બે કિલો અફિણની ડીલીવરી કરવા આવેલા વિદ્યાર્થીની પોલીસે પૂછપરછ આરંભી છે. આ અફિણ રાજસ્થાનના ચિત્તોડગઢથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના નિયોલના ચેકપોસ્ટ પાસેથી પોલીસે શંકાના આધારે એક વિદ્યાર્થીને અટકાવીને તેની સ્કૂલ બેગની તપાસ કરતા અંદરથી 2 કિલો અફિણનો જથ્થો મળી આવ્યો હતો. સ્કૂલ બેગમાં અફિણનો જથ્થો જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. વિદ્યાર્થી અફિણની ડીલીવરી કરવા માટે સુરત આવ્યો હતો. જેથી પોલીસે વિદ્યાર્થીની અટકાયત કરીને તપાસ આરંભી હતી. આ અફિણ સુરતમાં કોને આપવામાં આવ્યો હતો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ડ્રગ્સના પેડલરો ઉપર પોલીસની ધોંસ વધારતા હવે માદક દ્રવ્યોની હેરાફેરી માટે નવી-નવી તરકીબ અજમાવી રહ્યાં છે. વિદ્યાર્થી ધો-9માં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસે નશીલા પદાર્થોની હેરાફેરીને અટકાવવા માટે ઓપરેશન શરૂ કર્યું છે. જામખંભાળિયા અને મોરબીમાંથી કરોડોનું ડ્રગ્સ પકડી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ, સુરત અને સુરેન્દ્રનગરમાં પણ નશીલા દ્રવ્યો ઝડપી લેવામાં આવ્યાં હતા. જેથી ડ્રગ્સની હેરાફેરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.