Site icon Revoi.in

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો સામે વેક્સિન અભિયાન નબળું પડ્યું

Social Share

અમદાવાદઃ કોરોનાના વધતાં સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ એક જ સક્ષમ વિકલ્પ હોવાનું તબીબોનું  માનવું છે. પરંતુ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું તેની સામે રસીકરણનો ગ્રાફ ખૂબ ઘટ્યો છે. રાજ્ય સરકારે આપેલાં રસીકરણના આંકડા ચકાસીએ તો ગુજરાતમાં ત્રીજી એપ્રિલે અત્યાર સુધીનું વિક્રમી 4.88 લાખ લોકોનું રસીકરણ થયું હતું. તેની સામે 18 એપ્રિલે માત્ર 1.17 લાખ લોકોએ રસી લીધી હતી. આમ પંદર દિવસમાં રસીકરણનો આંકડો ચોથા ભાગનો થઇ ગયો હતો.

આરોગ્ય વિભાગમાં પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં ત્રીજી એપ્રિલે 45થી વધુ ઉંમરના 62.30 લાખ સામાન્ય નાગરિકોએ પ્રથમ રસી લીધી હતી અને 7.64 લાખ કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સે રસીનો બીજો ડોઝ લીધો હતો. બીજી એપ્રિલે પણ રસીકરણની વિગત જોઇએ તો તે 4.40 લાખ લોકોને રસી અપાઇ હતી.  જો કે ચોથી એપ્રિલે જ રસીકરણનો મોટો ડાઉનફોલ નોંધાયો અને તે 2.78 લાખનો થયો હતો. અને તે પછી રસીકરણમાં અમુક દિવસે નોંધાયેલાં સામાન્ય વધારાને બાદ કરતાં સતત ઘટાડાનો ટ્રેન્ડ નોંધાઇ રહ્યો છે. આ તરફ જો કોરોનાના કેસની વાત કરીએ તો ત્રીજી એપ્રિલે ગુજરાતમાં કોરોનાના 24 કલાકમાં 2,815 નવાં કેસ નોંધાયાં હતાં તેની સામે 18 એપ્રિલે આ આંકડો લગભગ પાંચ ટકા વધીને 10,000ની સપાટી કૂદાવી ગયો અને તે 10,340 પર પહોંચ્યો છે.

ગત સપ્તાહે એટલે કે 11 એપ્રિલના રોજ ગુજરાતમાં કોરોનાના 1.45 લાખ ટેસ્ટ થયાં તેમાંથી નવાં 5469 નવાં પોઝિટીવ કેસ નોંધાયા હતાં. આમ દર સો ટેસ્ટ પૈકી 3.75 જેટલાં પોઝિટીવ કેસ નોંધાયા હતા. આ પોઝિટીવ રેશિયો ક્રમશ વધતો રહ્યો અને તે 17 એપ્રિલે 5.50 ટકા નોંધાયો હતો.