Site icon Revoi.in

અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતા વિવિધ કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરાશે

Social Share

ગાંધીનગરઃ લાખો માઈ ભક્તોની આસ્થા સાથે જોડાયેલી “અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ યાત્રા” બની રહે તેવા મંત્ર સાથે અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતો હજારો ટન વિવિધ ઘન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી રીસાઈકલ-નિકાલ કરવા અંદાજે છેલ્લા ૧૩ વર્ષથી GPCB દ્વારા એક વિશેષ પહેલ હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે અંબાજી પદયાત્રા માર્ગ પર અત્યાર સુધીમાં ૩૦૦ ટનથી વધુ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. તેમ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું. 

અંબાજી પદયાત્રા માર્ગ પર જોવા મળતા વિવિધ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાના ઉદ્દેશ સાથે ૧૦૦ જેટલા સ્વયંસેવકોની ટીમ તેમજ ૧૦ બોલેરો ગાડી, ૧૦ ઈ-રીક્ષા તેમજ ઈ-બાઈકને પ્રસ્થાન કરાવવા આજે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં GPCB ગાંધીનગર ખાતે ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી.

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, આ વર્ષે એક નવતર પહેલના ભાગરૂપે અંબાજી પદયાત્રીઓને પાંચ પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ આપવામાં આવશે આ માટે વિવિધ ઉદ્યોગ એશોસિએશન દ્વારા ૫,૦૦૦ સ્ટીલ બોટલનું દાન કરવામાં આવ્યું છે. પદયાત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે જાગૃતિ માટે ૫૦ થી વધુ શેરી નાટક ભજવાશે.    

મેળા અને ઉત્સવો એ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે. ઉત્સવો થકી નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય છે. અંબાજી ખાતે વર્ષોથી યોજાતા ભાદરવી પૂનમના મેળામાં લાખો માઈ ભક્તો ચાલીને આસ્થા સાથે માં અંબાના દર્શન કરે છે. આ પદયાત્રીઓની સેવા માટે વિવિધ સંઘ, ગામ અને શહેરો દ્વારા પદયાત્રા માર્ગ પર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. આ દરમિયાન સ્વાભાવિક ક્રમે ઉત્પન્ન થતા વિવિધ કચરાના નિકાલ માટે GPCB દ્વારા વર્ષ ૨૦૧૧થી વિવિધ સંસ્થાઓની મદદથી પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવાનું અવિરત મિશન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવો એ આપણા સૌની ફરજ છે. આ અભિયાનમાં સહભાગી સ્વૈચ્છિક સંસ્થાઓ અને યુવાનોને અભિનંદન આપીને પદયાત્રાના માર્ગ પર આવતા ગામો અને શહેરો પર સ્વેચ્છાએ અભિયાનમાં જોડાય તેવો અનુરોધ પણ મંત્રીશ્રીએ આ પ્રસંગે કર્યો હતો.

મંત્રી મુળુભાઈએ કહ્યું હતું કે, વડાપ્રધાનએ આપેલા ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં ગુજરાતનો લક્ષ્યાંક પૂર્ણ કરવા સરકારની સાથે સમાજ પણ સહભાગી થઇ રહ્યો છે જે આપણા માટે ગૌરવ સમાન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ તા. ૧૭ સપ્ટેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ‘સ્વચ્છતા મહાભિયાન’ યોજાવાનું છે ત્યારે આ સેવા કાર્યમાં જન ભાગીદારી વધે તે માટે આપણા સૌએ ખાસ પ્રયાસ કરવો પડશે તેમ, મંત્રીશ્રીએ આ પ્રસંગે ઉમેર્યું હતું.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી  મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાનનું સ્વચ્છ ભારત મિશન આજે સાચા અર્થમાં આજે જન આંદોલન બન્યું છે. અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતા કચરાનો ત્વરિત યોગ્ય નિકાલ કરવા GPCB અને સ્વૈચ્છિક સંસ્થાઓ કાર્ય કરી રહી છે તે સરાહનીય છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાની સાથે પર્યાવરણનો પણ જતન કરવું પડશે. પ્લાસ્ટિક બેગના સ્થાને કાપડની થેલીનો ઉપયોગ કરવા માટે સેક્ટર-૨૧ ગાંધીનગરમાં પ્રથમવાર કાપડની થેલીનું ATM મુકવામાં આવ્યું છે. 

વડાપ્રધાનના નેટ ઝીરોના સ્વપ્નને સાકાર કરવા સોલર ઊર્જા સહિત વરસાદી પાણીનો પણ સંગ્રહ કરવો પડશે. ગ્રીન સિટી ગાંધીનગરની જેમ રાજ્યના તમામ શહેરોને હરિયાળા બનાવવા ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વધુ ને વધુ વૃક્ષો વાવવા સંયુક્ત પ્રયાસો કરવા પડશે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ  સંજીવ કુમારે પ્રાસંગિક પ્રવચન કરતાં કહ્યું હતું કે, દર વર્ષે GPCB અને સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી અંબાજી પદયાત્રાના માર્ગના સ્વચ્છ રાખવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ઘન કચરાના નિકાલ અને રીસાઈકલ કરવાથી પર્યાવરણના જતનની સાથે રોજગારી પણ ઉપલબ્ધ થાય છે.