અમદવાદાઃ ગુજરાતમાં હવે વાહનચાલકોના કાચા ડ્રાઈવિંગ લાઈસન્સની છ મહિનાની મુદત પૂર્ણ થઈ જાય તો તેને રિન્યુ કરાવવા માટે આરટીઓ કચેરી સુધી ધક્કા નહીં ખાવા પડે. વાહનચાલકો ઘરે બેઠાબેઠા ઓનલાઈન કાચુ લાઈસન્સ હિન્યુ કરી શકશે.
પ્રાપ્ત માહિતી અનુસાર કાચા લાઈસન્સની મુદત પૂર્ણ થયા બાદ વાહનચાલકોને રિન્યુ કરાવવા માટે આરટીઓ કચેરી સુધી લાંબુ થવું પડતું હતું. જો કે, રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ સિસ્ટમને ઓનલાઈન કરી દેવામાં આવી હોવાથી હવે કાચુ લાયસન્સ રિન્યુઅલ કરાવવા માટે આરટીઓ કચેરી સુધી લાંબુ નહીં થવું પડે. વાહન વ્યવહાર વિભાગની parivahan.gov.in નામની વેબસાઈટ ઉપર અરજદાર કાચું લાઈસન્સ રિન્યૂ કરાવ્યાં બાદ તેને ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશે. આ ઉપરાંત ટુ-વ્હીલરનું લાઈસન્સ ધરાવતા વાહન ચાલકે ફોરવ્હીલનું લાયસન્સ કઢાવવું હોય તો પણ તેને આરટીઓ કચેરીના ધક્કા નહીં ખાવા પડે. વાહન ચાલકે ઓનલાઈન ફી ભર્યા બાદ નિયત તારીખે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે જ આરટીઓ જવાનું રહેશે.