ગાંધીનગરઃ રાજ્યમાં વધુને વધુ લોકોને રોજગારી મળી રહે તે માટે નવા ઉદ્યોગો સ્થપાય તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે. ગુજરાત સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરીને કરોડો રૂપિયાના રોકાણો માટે એમઓયુ કરવામાં આવતા હોય છે. તા.10મી જાન્યઆરીથી સરકારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કર્યું હતું પરંતુ કોરોનાના વધતા જતાં કેસને કારણે વાઈબ્રન્ટ સમિટ મોકુફ રાખવામાં આવી હતી.હવે આગામી તા. 1લી મેથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કર્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરના કારણે મુલત્વી રખાયેલા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2022 હવે તા.1 મે 22 ના રોજ યોજવા ગુજરાત સરકારે નિર્ણય લીધો છે અને આ વર્ષે કોરોના પ્રોટોકોલના કારણે વાઈબ્રન્ટ સમીટ જે મર્યાદીત રીતે આયોજીત થવાની હતી પણ હવે મે માસમાં કોરોનાની ત્રીજી લહેરની પૂર્ણ રીતે વિદાય થઈ ગઈ હશે. હાલ જે નાઈટ કર્ફયુ સહિતના કોરોના પ્રતિબંધો છે તે પણ પૂર્ણ રીતે વિદાય લઈ ચૂકયા હશે તે ગણતરી સાથે ગુજરાત સરકાર દ્વારા હવે રાજયના સ્થાપના દિન તા.1 મે 2022થી બે દિવસના વાઈબ્રન્ટ મહોત્સવનું આયોજન કરાશે અને તે વધુ ભવ્ય હશે તથા વધુ રાષ્ટ્રવડાઓ પણ તેમાં ઉપસ્થિત રહે તે શકય બનાવવા કેન્દ્ર સરકાર સાથે આયોજનમાં આગળ વધી રહી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મહોત્સવની પુર્વ સંધ્યા એટલે કે તા.30 એપ્રિલના રોજ રાજય સરકાર દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન શો પણ યોજવા જઈ રહી છે. હાલમાં દિલ્હીમાં 1000 ડ્રોન સાથેનો શો હતો પણ ગુજરાતનો શો તેનાથી અનેક ગણો વિશાળ અને વૈવિધ્યસભર હશે. રાજય સરકારે વાઈબ્રન્ટ મહોત્સવ યોજવાની સાથે રાજયમાં વહેલી ચૂંટણીની શકયતાની જે અટકળો ચાલતી હતી તેને પણ પુર્ણવિરામ લગાવી દીધું છે અને ચૂંટણી ડિસેમ્બર 22 ના તેના નિર્ધારિત સમયે જ યોજાશે તેવા સંકેત આપી દીધા છે.
સરકાર ચૂંટણી પૂર્વે રાજયમાં મૂડીરોકાણ અને રોજગાર ક્ષેત્રે એક જબરુ ચિત્ર બનાવવા માંગે છે અને તેમાં વાઈબ્રન્ટ મહોત્સવ સૌથી મોટું માધ્યમ બની રહેશે તેવી સરકારને આશા છે તેથી જ મુલત્વી રખાયેલું આયોજન મોટા પાયે થશે અને 10માં વાઈબ્રન્ટ મહોત્સવ યોજીને પછી ચૂંટણીમાં ભારે આત્મવિશ્વાસ સાથે ઝંપલાવશે તેવા સંકેત છે. (file photo)