રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે વધુ મૂડી રોકાણો થાય તે માટે આગામી વાઈબ્રન્ટ સમિટમાં ખાસ ભાર મુકાશે
અમદાવાદઃ ગુજરાતમાં વધુને વધુ મુડી રોકાણો આવે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગમી 10મી જાન્યુઆરીથી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારે વાઈબ્રન્ટ સમિટ યોજવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સમિટમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આગામી દસ વર્ષ માટેનો રોડ મેપ લોન્ચ કરવામાં આવશે. આ રોડ મેપ બનાવવા માટે હાલ યુનિ.ઓના કુલપતિઓની નિમાયેલી કોર કમિટીને કામગીરી સોંપી દેવાઈ છે. કેન્દ્ર સરકારે નવી એજ્યુકેશન પોલીસી લાગુ કરી દીધા બાદ હવે ગુજરાતમાં તેનો ત્વરીત અમલ કરવા માટે સરકારે આયોજનો શરૂ કરી દીધા છે અને જે અંતર્ગત કમિટીઓની રચના બાદ આગામી શૈક્ષણિક વર્ષથી કોર્ષ-પરિણામ પેટર્ન સહિતની કેટલીક મહત્વની બાબતોનો તમામ યુનિ.ઓમાં સમાનપણે અમલ કરવાની યોજના છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત યુનિ.અને જીટીયુના કુલપતિ તેમજ ઉચ્ચ શિક્ષણના અધિકારીઓ સાથેની એક કોર કમિટી પણ તાજેતરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નક્કી કરવામાં આવી છે. આ કમિટીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ સાથે ગુજરાત ઉચ્ચ શિક્ષણ વિકાસ, વિસ્તાર અને વ્યાપ કઈ રીતે થશે તે માટે દસ વર્ષનો રોડ મેપ તૈયાર કરવાની પણ કામગીરી સોંપવામા આવી છે. આ કમિટી સરકારને દસ વર્ષનો રોડ મેપ તૈયાર કરીને આપશે. નવી એજ્યુકેશન પોલીસીનો સંપૂર્ણ અમલ થતા 20 વર્ષ લાગે તેમ છે પરંતુ 3 વર્ષથી લઈને દસ વર્ષમાં સરકાર સંપૂર્ણ અમલ કરવા માંગે છે. આ રોડ મેપને આગામી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં સરકાર દ્વારા લોન્ચ કરવામા આવશે. આ રોડ મેપના આધારે સરકાર દ્વારા રાજ્યની યુનિ.ઓમાં રાજ્ય બહારના અને વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પણ સ્ટડી ઈન ગુજરાત કેમ્પેઈન હેઠળ વધારવા માંગે છે અને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે નવા ફોરેન પ્લેયર્સ પણ આવે અને રોકાણ પણ વધે તેવી પણ ચર્ચા છે.
સુત્રોએ ઉમેર્યું હતું કે, હાલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ ચાલી રહી છે અને જેમાં શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ શિક્ષણ માટેનો દસ વર્ષનો રોડ મેપના લોન્ચિંગ માટેની ખાસ તૈયારીઓ કરવામા આવી રહી છે.આ રોડ મેપ સરકારનું શિક્ષણ ક્ષેત્રે આગામી દસ વર્ષનુ વિઝન રજૂ કરશે અને જેની કામગીરી કુલપતિઓની કમિટીને સોંપાઈ છે. અગાઉ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન સાતથી આઠ રોડ શો યોજાતા અને આખોય મહિના થોડા સમયનાં અંતરે એક -એક ટીમ રોડ શો માટે વિદેશ જતી હતી. તેનાથી વિપરીત આ વખતે ત્રણ ટીમો એક જ તારીખે એટલે 22મીથી 26 નવેમ્બરે ફોરેન રોડ શોમાં જશે. તેમાં યુએસએમાં પ્રિન્સીપલ સેક્રેટરી જે પી ગુપ્તાની ટીમ સાથે ઉદ્યોગપતિઓ જશે. આ ઉપરાંત બીજી ટીમ જાપાન અને કોરીયામાં રોકાણ આકર્ષતા રોડ શો યોજશે. જેને શ્રમ અને રોજગાર વિભાગમાં પ્રિન્સિપલ સેક્રટરી અંજુ શર્મા લીડ કરશે. રૂરલ ડેવલપમેન્ટ કમિશનર સોનલ મિશ્રાની ટીમ જર્મની ફ્રાન્સ અને નેધરલેન્ડ જશે.