ડ્રેસિંગ રૂમમાં ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહિત કરતા પીએમ મોદીનો વીડિયો નંબર વન પર થયો ટ્રેન્ડ
દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ ફાઇનલમાં હાર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જઈને ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પીએમ ડ્રેસિંગ રૂમમાં ગયા અને ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા.ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મળેલા પીએમનો આ ખાસ વિડીયો ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વીડિયો પીએમની યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 40 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને આ વીડિયો હજુ પણ યુટ્યુબ પર નંબર વન ટ્રેન્ડ કરી રહ્યો છે.
ભારતીય ટીમના ખેલાડીઓ સાથે મુલાકાત દરમિયાન પીએમે કોહલી અને રોહિતથી નિરાશ ન થવાની વાત કરી હતી અને મોહમ્મદ શમીને પણ ગળે લગાવ્યા હતા. પીએમએ ભારતીય ખેલાડીઓને દિલ્હી આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. તે જ સમયે, જ્યારે ભારત ફાઇનલમાં હારી ગયું હતું, ત્યારે PM એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારતીય ટીમ માટે એક ખાસ સંદેશ પણ લખ્યો હતો.પીએમે લખ્યું હતું કે, “પ્રિય ટીમ ઈન્ડિયા, વર્લ્ડ કપમાં તમારી પ્રતિભા અને સંકલ્પબધ્ધતા નોંધપાત્ર હતી. તમે ખૂબ જ ભાવના સાથે રમ્યા અને દેશને ગૌરવ અપાવ્યું, અમે આજે અને હંમેશા તમારી સાથે છીએ.
વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે હરાવ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરીને 240 રન બનાવ્યા હતા, જે બાદ ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ટ્રેવિસ હેડે 137 રન બનાવીને ભારતની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. ટ્રેવિસ હેડને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો જ્યારે વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ જીતવામાં સફળ રહ્યો હતો.