અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં શરદી અને તાવ સહિતની વાયરલ બીમારીને કારણે દવાખાના દર્દીઓથી ઉભરાયા છે. દરમિયાન કેટલાક શ્રમજીવી દર્દીઓની એક સિરામીક ફેકટરીમાં સારવાર કરવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ફેકટરી હોસ્પિટલમાં રૂપાંતરીત થઈ હોવાનો આ વીડિયો મોરબીનો હોવાનું જાણવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. બીજી તરફ આ ઘટનાને પગલે મોરબી તંત્રએ મૌન ધારણ કરી લીધું છે.
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જે અનુસાર સિરામીકની એક ફેકટરીમાં સાતેક દર્દીઓની સારવાર ચાલી રહી છે. તેમજ દર્દીઓને બેડ વિના નીચે સારવાર કરવામાં આવી રહી છે. તેમજ નાનકડુ દવાખાનુ ઉભુ કરાયું હોય તેમ એકાદ વ્યક્તિ વિવિધ દવાઓ લઈને બેઠો છે. આ વીડિયો મોરબીનો હોવાનું ચર્ચાય રહ્યું છે. બીજી તરફ વીડિયો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે પણ સિરામીક એકમોમાં તપાસ શરૂ કરવાની કામગીરી આરંભી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ તંત્રએ સમગ્ર ઘટના અંગે હાલ અત્યારે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે.
મોરબીના સિરામીક એકમોમાં મોટી સંખ્યામાં શ્રમજીવીઓ કામ કરે છે. તેમજ અહીં અનેક નાના-નાના દવાખાનામાં તબીબો પ્રેકટીક કરે છે. આ ઉપરાંત વિવિધ એકમોમાં વિઝિટ કરે છે. જ્યારે શ્રમિકો બીમાર પડે ત્યારે હોસ્પિટલમાં દાખલ થવાની જગ્યાએ ખાનગી ડોક્ટર પાસે સારવાર કરાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ટેસ્ટીંગ ઓછુ કરવામાં આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી અને તાવ સહતિની બીમારીથી પીડિતા દર્દીઓની લાંબી લાઈનો લાગે છે. બીજી તરફ કોરોના ટેસ્ટ કીટનો અભાવ હોવાથી તમામ દર્દીઓનો ટેસ્ટ નહીં થતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેથી મોરબીમાં કોરોના ટેસ્ટીંગ વધારવા માંગણી કરવામાં આવી છે.