રાજકોટ:હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.જેને પગલે રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ધોધમાર વરસાદને પગલે શહેર અને જિલ્લાના મોટાભાગના તમામ જળાશયો અને ચેકડેમોમાં નવા નીરની આવક થવા પામી છે.
રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા આજી, ન્યારી અને ભાદર એમ કુલ ત્રણેય ડેમમાં પૂરતા પ્રમાણમાં આવક થતા ત્રણેય જળાશયો ઓવરફ્લો થયા છે.જેનાથી રાજકોટવાસીઓનું જળ સંકટ દૂર થઇ ગયું છે. જ્યારે રાજકોટ જિલ્લાના જળાશયોમાં હાલ 95 ટકા જળજથ્થો ઉપલબ્ધ છે.
રાજકોટમાં 18 લાખથી વધુ લોકોને પીવાના પાણી માટે જીવાદોરી સમાન અને ભાગ્યે જ છલકાતો આજી-1 ડેમ આજે 18મી વખત ઓવરફ્લો થયો છે. સતત ત્રીજા વર્ષે આજીડેમ છલકાતા લોકોમાં હરખની હેલી જોવા મળી રહી છે. આજે વહેલી સવારે આજીડેમ ઓવરફ્લો થતા હેઠવાસમાં આવેલ બેડી, થોરાળા, રાજકોટ, મનહરપુર, રોણકી ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટનો જીવાદોરી સમાન આજી ડેમનું લોકાર્પણ 1957માં કરવામાં આવ્યું હતું. જે બાદ આજે સતત ત્રીજા વર્ષે ઓવરફ્લો થતા કુલ 18મી વાર ઓવરફ્લો થયો છે.
સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ગણાતો ભાદર-1 ડેમ ભરભાદરવે ભરપૂર થઈ પરમદિવસ રાત્રિના જ ઓવરફ્લો થઈ ગયો છે. જે બાદ ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યાં હતા. જેથી નીચાણવાળા 22 ગામના લોકોને એલર્ટ કરી દેવાયા છે. બીજી તરફ જોઈએ તો આ વર્ષે સારા વરસાદના પગલે પીવાના પાણીની સાથે સાથે સિંચાઈ ઉપયોગી જળાશયોમાં પણ નવા નીરની પુષ્કળ માત્રામાં આવક થતા આ વર્ષે ખેડૂતોને સારા ઉત્પાદનની આશા બંધાઈ રહી છે.