- સરસ્વતી, બનાસ અને રૂપેણ નદીના પાણી રણમાં ફરી વળ્યા,
- રણમાં મીની સમુદ્ર જેવા દ્રશ્યો સર્જાયા,
- અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ભારે વરસાદ તેમજ સરસ્વતી, બનાસ, રૂપેણ નદીના પૂરના પાણી કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ઝિંઝુવાડાના રણ વિસ્તારમાં ફરી વળ્યા છે. હાલ આ રણ વિસ્તારમાં નજર નાંખો ત્યાં સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તેના લીધે રણમાં આવતા પ્રવાસીઓ સહિત અગરીયાઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
પાટડી તાલુકાના ઝીંઝુવાડા રણ વિસ્તારમાં સરસ્વતી, બનાસ અને રૂપેણ સહિતની નદીઓ ઓવરફલો થતા તેના પાણી ફરી વળતાં રણમાં મીની સમુદ્ર જેવા દ્રશ્યો સર્જાયા છે. જ્યારે બીજી બાજુ રણમાં આવેલા વાછરડા દાદાના મંદિરે આવતા દર્શનાર્થીઓને તેમજ અગરીયાઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. છેલ્લા ઘણા વર્ષોથી રણમાં વરસાદી પાણી સાથે સાથે નદીઓના પાણી પણ ફરી વળે છે, ત્યારે ફરી એકવાર રણમાં પાણી ફરી વળ્યા હતા. આમ તો ચોમાસાની સીઝનમાં મીઠાંના અગરોમાં અગરિયાઓ કામ કરતા નથી અને ચોમાસા પહેલા જ પોતાના વતન પરત ફરતા હોય છે. પરંતુ કેટલાક અગરોમાં મીઠાના પહાડ જેવા ઢગલાંઓ જોવા મળી રહ્યા છે. ટ્રક-ટ્રેલરોમાં મીઠાનું વહન કરાતું હોય છે. તે હાલ રણમાં પાણી ભરાતા ઠપ થઈ ગયું છે.
સામાન્ય રીતે ચોમાસાના ચાર મહિના કચ્છનું નાનું રણ વરસાદના પગલે મીની સમુદ્રમાં ફેરવાઇ જાય છે. જ્યારે રણકાંઠાના હજારો અગરિયા પરીવારો દરવર્ષે સપ્ટેમ્બરથી મે માસ દરમિયાન રણમાં મીઠું પકવવા જાય છે. જોકે હાલ રણમાં પાણી ભરાયા હોવાથી મીઠાની સીઝનમાં વિલેબ થશે. બીજીબાજુ ઘૂડખર સહિતના સસ્તન પ્રાણીઓનો સંવનનકાળનો સમયગાળો હોઇ અભયારણ્ય વિભાગ દ્વારા દરવર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન ચાર મહિના અભયારણ્ય પ્રવાસીઓ માટે ચાર મહિના માટે સદંતર બંધ કરવામાં આવ્યું છે. હવે જો ઓક્ટોબર સુધી પાણી ભરાયેલા રહેશે તો પ્રવાસીઓ ઘૂડસર અભ્યારણ્યની મુલાકાતે જઈ શકશે નહીં. ઘૂડખર સહિતના પ્રાણીઓને ભારે વરસાદના અંદેશો પહેલાથી જ આવી જતાં તેઓ બેટ કે કાંધી વિસ્તારમાં પહોંચી જાય છે. હાલમાં કચ્છનું નાનું રણ વરસાદના પગલે મીની સમુદ્રમાં ફેરવાઇ ગયું છે.