- ભારતમાં સર્જાઈ શકે છે પાણીની સમસ્યા
- અત્યારે પણ કેટલાક વિસ્તારોમાં નથી મળતું પાણી
- ભૂગર્ભમાં જળ સ્તર ઘટી રહ્યું છે
ભારતમાં આમ તો હજારો નદીઓ, તળાવ અને સરોવર છે. ભારતમાં નદીઓ એટલી છે કે પાણીની સમસ્યા આમ થતી નથી પણ કેટલાક વિસ્તારો આજે પણ એવા છે જ્યાં પીવાના પાણીની સમસ્યા છે. હવે વાત એવી છે કે ભારતમાં હાલ જે રીતે કેટલાક લોકો દ્વારા બેફામ પાણીનો બગાડ થઈ રહ્યો છે તેવી નાની નાની વાતોને લઈને ભારત દેશમાં ભવિષ્યમાં મોટી સમસ્યા સર્જાઈ શકે છે અને લોકોને કદાચ વપરાશ માટે પાણી ન મળે તેવી પણ સ્થિતિ સર્જાઈ શકે છે.
દેશમાં અબજો ગેલન વરસાદી પાણી વેડફાય છે પરંતુ જમીનમાં ઉતારવામાં આવતું નથી પરીણામ સ્વરુપ ભારતમાં દર વર્ષે સરેરાશ ૩ સેમી ભૂગર્ભ જળ નીચે ઉતરી રહયું છે. પૃથ્વી પર જળ વીના જીવન શકય નથી આથી જ તો જળ એ જ જીવન કહેવામાં આવે છે. પૃથ્વીના પેટાળમાંથી જેટલું પાણી ઉલેચવામાં આવે છે તેટલું ઉમેરવામાં આવતું નથી.
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયને ટાંકીને જણાવાયું છે કે આગામી વર્ષ ૨૦૩૧ સુધીમાં જળ ઉપલબ્ધતા ઘટીને ૧૩૬૭ કયૂબિક મીટર રહેવાની ધારણા છે. સ્ટેટ ઓફ કલાયમેટ સર્વિસેઝના રિપોર્ટમાં વૈશ્વિક સંદર્ભમાં જણાવ્યા અનુસાર છેલ્લા ૨૦ વર્ષમાં જળસંગ્રહના દરમાં પ્રતિ વર્ષ ૧ સેમી ઘટાડો થયો છે. એ જોતા ભારતમાં જળ ઘટાડો ખૂબજ વધારે છે. એન્ટાર્કિટકા અને ગ્રીનલેન્ડની પણ પરીસ્થિતિ જળ સંગ્રહ બાબતે ખૂબજ નાજૂક છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે ગ્રીનલેન્ડ વિસ્તારની દ્વષ્ટીએ દુનિયાના ટોપ ટેન દેશોમાં આવે છે પરંતુ વસ્તી ખૂબજ ઓછી છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વ મૌસમ વિજ્ઞાનના અહેવાલમાં જણાવ્યા અનુસાર જળ સંગ્રહમાં ઘટાડો થવાથી આ પરીસ્થિતિ માત્ર ભારતમાં જ નહી સમગ્ર દુનિયામાં જોવા મળે છે. ભારતના કેટલાક વિસ્તારોમાં સરેરાશ ૪ સેમી જેટલો ઘટાડો થયો છે જે છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ વધારે છે. ભારતમાં પ્રચંડ જનસંખ્યાના કારણે માથાદીઠ પાણીની ઉપલબ્ધતા ઝડપથી ઘટી રહી છે. વર્ષ ૨૦૦૧ માં ૧૮૧૬ કયૂબિક મીટર હતી જે ૨૦૧૧ માં ઘટીને ૧૫૪૨ કયૂબિક થઇ છે.