Site icon Revoi.in

રાજકોટના આજી ડેમ-1માં 3જી સપ્ટેમ્બરે નર્મદાના નીર ઠલવાશે

Social Share

રાજકોટઃ શહેરમાં ભરચોમાસે પાણી કાપ લાદવો પડે તેવી સ્થિતિ ઊભી થતા શહેરના મેયરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજુઆત કરીને સૌની યોજના હેઠળ આજી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલલવા રજુઆત કરી હતી.આથી રાજય સરકારે વિલંબીત વરસાદ વચ્ચે આજી-1 ડેમ માટે સૌની યોજનાનું પાણી છોડવા મંજૂરી આપી દેતા મ્યુનિ.કોર્પોરેશનના શાસકોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માન્યો હતો.
રાજકોટની પ્રજાને મુખ્યમંત્રીએ જન્માષ્ટમીની ભેટ આપ્યાનું જણાવતા મેયર ડો. પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ, શાસક નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોટર વર્કસ ચેરમેન દેવાંગ માંકડે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ચોમાસાનો સંતોષકારક વરસાદ હજુ પડયો નથી. વરસાદ ખેંચાતા આજી, ન્યારી સહિતના સ્ત્રોતમાં નવા પાણી આવ્યા નથી. આથી આ બંને ડેમમાં સૌની યોજના મારફત નર્મદાનું પાણી ઠાલવવા મેયર ડો. પ્રદીપ ડવે મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત કરી હતી. ડેમમાં પાણી આવી જાય એટલે દૈનિક 20 મીનીટ પાણી વિતરણ રાબેતા મુજબ ચાલુ રહેશે અને કોઇ ચિંતા રહેવાની નથી. હાલ 29 ફુટના આજી-1 ડેમમાં 215 એમસીએફટી પાણી છે અને 10 સપ્ટેમ્બર સુધી ઉપાડ થઇ શકે તેમ છે. તો 25 ફુટના ન્યારી-1 ડેમમાં રહેલા 544 એમસીએફટી પાણીનો જથ્થો 15 નવેમ્બર સુધી ચાલશે. 34 ફુટના ભાદર-1 ડેમમાં રહેલા 1932 એમસીએફટી પાણીમાંથી રાજકોટને ડિસેમ્બર સુધી જથ્થો મળવાનો છે. તા.3ના રોજ આજી ડેમમાં નર્મદા નીરની પધરામણી થઇ જશે અને રાજકોટ માટેનો જળજથ્થો વધી જશે તેમ પદાધિકારીઓએ જણાવ્યું હતું.                                                    ( ફાઈલ ફોટો)