અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કેટલાક વોર્ડમાં છેલ્લા બે દિવસથી ફોર્સથી પાણી ન આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી. પાણી ઓછું આવવાની ફરિયાદો ઉઠતા મ્યુનિની વોટર સપ્લાય કમિટીમાં અધિકારીઓ પાસે જવાબ માંગવામાં આવ્યો હતો. દરમિયાન વોટર સપ્લાયની જવાબદારી સંભાળતા અધિકારીઓ જણાવ્યું હતું કે, જાસપુર કેનાલમાં નર્મદાનું પાણી આવતું હતું. જેમાં ચોમાસાના કારણે કચરો પણ સાથે આવ્યો હતો. કેનાલમાંથી આવતું પાણી જાસપુર પ્લાન્ટમાં ટ્રીટ થઈને આવે છે. જેમાં સમય લાગ્યો હતો અને તેના કારણે પાણીનો ફલો ઓછો થયો હતો. હવે પાણી પુરા ફોર્સથી મળવા લાગશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ચોમાસામાં શહેરના બાપુનગર, સરસપુર, રખિયાલ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ બાપુનગરના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં થાય છે. બે વિસ્તારના વરસાદી પાણીના કારણે તળાવ ઓવરફ્લો થતું હતું. તળાવનું લેવલ ઓછું કરવા માટે હાલમાં કાર્યરત વોટર પંપિંગ સ્ટેશનથી નવા બની રહેલા 30 એમએલડીના એસટીપી પ્લાન્ટ સુધી નવી લાઈન નાખવામાં આવી હતી. જેને નવી અન્ય રાઇઝિંગ લાઈન જોડાણ કરવા માટે ના કામની મંજૂરી આજે આપવામાં આવી છે. તેથી હવે આ લાઈનનું જોડાણ થતા લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં તળાવ ઓવરફ્લો નહીં થાય.
એએમસીની તાજેતરમાં મળેલી વોટર સપ્લાય કમિટીમાં ખારી કટ કેનાલ મુદ્દે પણ ચર્ચા થઈ હતી. કરોડો રૂપિયાના ખર્ચે ખારી કટ કેનાલનો પ્રોજેક્ટ થવા જઈ રહ્યો છે જેના ટેન્ડર થઈ ચૂક્યા છે. ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં અનેક કંપનીઓએ ભાગ લીધો છે અને હાલમાં તેના ઇવોલ્યુશનની પ્રક્રિયા ચાલી રહી છે. ખારીકટ કેનાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સૌથી મોટો પ્રોજેક્ટ હોવાથી અધિકારીઓને ભાજપના સત્તાધીશો તેમાં કોઈ કસર ન બાકી રહી જાય તેની પૂર્ણ તકેદારી રાખી રહ્યાં છે. ચૂંટણી પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ખારીકટ કેનાલનું ખાતમુહૂર્ત થાય તે માટેના પ્રયાસો કરી રહ્યું છે.