રાજધાનીમાં ફરીવાર આવ્યો હવામાનમાં પલટો,ભારે વરસાદ સાથે કરા પડ્યા
- દિલ્હીમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા
- તાપમાનમાં એકાએક થયો ઘટાડો
- હવામાન વિભાગે કરી હતી આગાહી
દિલ્હી:દેશની રાજધાની દિલ્હીના ઘણા ભાગોમાં શુક્રવારે રાત્રે વરસાદ સાથે કરા પડવાને કારણે હવામાનમાં પલટો આવ્યો હતો.વરસાદ અને કરા બાદ તાપમાનમાં ઘટાડો થયો છે.દિલ્હીમાં શુક્રવારે દિવસભર વાતાવરણ ખુશનુમા રહ્યું હતું,પરંતુ સૂર્યાસ્ત થતાં જ આકાશ અંધારું થઈ ગયું હતું.અગાઉ સાંજે પણ દિલ્હીના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો હતો, જ્યારે શહેરના દક્ષિણ પશ્ચિમ ભાગોમાં કરા પડ્યા હતા.શહેરમાં મહત્તમ તાપમાન 27.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં બે ડિગ્રી વધારે હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.હવામાન વિભાગે શનિવારે આકાશમાં અંશત: વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.શનિવારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
આ સાથે એમ પણ કહ્યું કે માત્ર દિલ્હી જ નહીં પરંતુ ઉત્તર અને પૂર્વ ભારતના ઘણા વિસ્તારોમાં આ પરિવર્તન આવશે.કહેવામાં આવી રહ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાનમાં આ ફેરફાર જોવા મળશે.26 ફેબ્રુઆરી માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ પછી હવામાન ચોખ્ખું થશે અને 28 ફેબ્રુઆરીએ તાપમાન 28 ડિગ્રી સુધી પહોંચવાની આશંકા છે, ત્યારબાદ હવામાન ફરી એકવાર સ્વચ્છ થશે.