અમદાવાદ :હવે લોકોએ શિયાળાની પણ તૈયારી કરી લેવી જોઈએ, રાજ્યના કેટલાક શહેરોમાં તો ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે, ત્યારે જાણકારો દ્વારા અંદાજ લગાવવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યમાં આવતા અઠવાડિયાથી ઠંડી વધી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલના સમયમાં ઉત્તર અને પશ્ચિમથી લઈને મધ્ય ભારત સુધી ડ્રાઈ નોર્થ વેસ્ટ હવા ચાલી રહી છે. ઉત્તરના પહાડો પર બરફવર્ષા બાદ આ હવાઓ બર્ફીલા વિસ્તારમાંથી પસાર થઈને મધ્ય ભારતમાં ઠંડી લઈને આવશે. તેના કારણે 6 નવેમ્બરથી દેશમાં બે વેસ્ટર્ન ડિસ્ટરબેંસના કારણે ઉત્તરથી લઈને મધ્ય ભારત સુધી ઠુઠવતી ઠંડી અનુભવાશે.
ઓક્ટોબર પસાર થતાંની સાથે જ હવામાને પણ પોતાની દિશા બદલી છે. દેશમાં એક સાથે એક્ટિવ થયેલા બે વેસ્ટર્ન ડિસ્ટર્બેંસ 10 રાજ્યોમાં ઠુઠવતી ઠંડી લાવશે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનની સાથે ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા અને તેલંગણામાં તાપમાન 6થી 7 નવેમ્બરની વચ્ચે ખૂબ જ નીચે આવશે. દિવસ અને રાતના તાપમાનમાં 11થી 17 ડિગ્રીનું અંતર રહેવાના અણસાર છે.
આગામી અઠવાડીયાથી ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં હવામાન સાફ રહેવાની સાથે રાતથી લઈને સવાર સુધીમાં ઠંડી અનુભવાશે. પણ બપોરનું તાપમાન હજુ 30થી 35 ડિગ્રી વચ્ચે જ રહેશે. મધ્ય ભારત સુધીના ભાવમાં સવાર અને સાંજના સમયે ધુમ્મસ અને ભેજ રહેશે. એકદમ ખુલ્લી જગ્યા પર હળવો ભેજ છવાઈ શકે છે. બીજી તરફ બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને પુરા ઉત્તર પૂર્વી રાજ્યોમાં હવામાન શુષ્ટ રહેશે.