- હવામાન વિભાગની આગાહી
- રાજ્યમાં વરસાદની સંભાવના નહીં
- ઠંડી તો દૂર ઉલટાનું તાપમાન વધશે
અમદાવાદ:હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના નથી. આવનારા બે દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે.
આ સાથે તેમણે રાતના લઘુત્તમ તાપમાન અંગે આગાહી કરતા જણાવ્યુ કે, રાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે.
હાલ તાપમાન વધવાનું કારણ જણાવતા હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યુ કે, હાલ વાતાવરણમાં થોડો ભેજ છે, વાદળ રહે છે જેના કારણે લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે. આ સાથે તેમણે તાપમાન અંગે જણાવતા કહ્યું હતું કે, ગુરૂવારે સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 17 ડિગ્રી અને ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે, પરંતુ અત્યાર સુધી કડકડતી ઠંડીનો અહેસાસ થયો નથી. જોકે, ઠંડીના ચમકારાનો અનુભવ થાય છે.
હાલમાં ઠંડીનો ચમકારો છે કે ખેડૂતોને રાહત છે પરંતુ જો વરસાદ કે ગરમીનું જોર વધે તો ખેડૂતોને પાકમાં નુક્સાન જવાની પણ સંભાવનાઓ રહેલી છે. જ્યારે જ્યારે પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે ત્યારે સૌથી વધારે અસર સૌરાષ્ટ્રના ખેડૂતોને થાય છે.