Site icon Revoi.in

દેવ દિવાળી બાદ હવે લગ્નસરાની સીઝન ખીલી ઊઠશે, લાભપાંચમ બાદ બજારોમાં જામી ઘરાકી

Social Share

અમદાવાદ: કાર્તિકી પૂનમ યાને દેવ દિવાળી બાદ લગ્નસરાની સીઝન શરૂ થશે. દર વખતની જેમ આ વખતે પણ અનેક લગ્નો યોજાશે. પાર્ટીપ્લોટ્સ, મેરેજ હોલ, રસોઈયા, ગોર મહારાજ વગેરે બુક થઈ ગયા છે. લાભપાંચમ બાદ બજારોમાં લગ્નોની ખરીદી પણ નીકળતા વેપારીઓ ખૂશી અનુભવી રહ્યા છે.

ગુજરાતમાં નાના-મોટા શહેરો અને ગામડાંઓમાં પણ આ વખતે ધૂમ લગ્નો યોજાશે. ખેડુતો, વેપારી વર્ગ સહિત તમામ વર્ગો માટે એકંદરે આ સારૂ વર્ષ રહ્યું હોવાથી પરિવારમાં આવતા લગ્નો પણ ધામધૂમથી કરાશે. આ વખતે બેન્ડવાજાથી લઈને પાર્ટીપ્લોટ્સના ભાડા અને કંકોતરીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દેવ દિવાળી બાદ લગ્નોના અનેક મૂહુર્તો છે. સામાન્ય વર્ષોની સરખામણીએ ચાલુ વર્ષે લગ્નના મુહુર્ત વધારે હોવાથી લગ્નો વધારે યોજાશે, એવું લાગી રહ્યું છે. કારણ કે, અમદાવાદમાં તમામ પાર્ટી પ્લોટ્સ, મેરેજ હોલ દિવાળી પહેલા જ બુક થઈ ગયા છે. આવી સ્થિતિ વડાદરા, રાજકોટ અને સુરતમાં છે.કર્મકાંડી બ્રાહ્મણોના કહેવા મુજબ  દેવ ઉઠી અગીયારસથી માંડી અખાત્રીજ સુધી કુલ 44 લગ્નના મુહુર્ત છે જેમાં ધનાર્ક , મીનાર્ક અને હોળાષ્ટક ત્રણ કમુહુર્તા બાદ પણ ઘણાબધા સારા મુહુર્ત હોવાથી લગ્નોનું પ્રમાણ વધારે છે. સામાન્ય રીતે કમુહુર્તામાં લગ્ન કરતાં એનઆરઆઇને પણ ચાલુ વર્ષે લગ્નના મુહુર્ત મળશે .

અમદાવાદ સહિત મહાનગરોમાં લગ્નસરાની સારી સીઝનની અસર અત્યારથી જોવા મળી રહી છે. શહેરના મોટા ભાગના પાર્ટી પ્લોટ્સ બુક થઈ ગયા છે. જેમાં પાર્ટી પ્લોટ્સ, મેરેજ હોલ, અને બેંકવેટથી માંડી પ્રીમીયમ પાર્ટી પ્લોટનો સમાવેશ થાય છે. ઓવરઓલ માર્કેટમાં તેજીના પગલે સારા બુકીંગ મળ્યાનો દાવો અમદાવાદ પાર્ટી પ્લોટ એસોશિએશનના પ્રમુખ પ્રતિક પટેલ કર્યો હતો. તેમનું કહેવુ છે કે લેબર વધવાને એક લગ્નમાં સરેરાશ 20 થી 22 ટકા મોંઘવારી જોવા મળી રહી છે. બજારોમાં પણ લગ્નો માટે ઘરાકી નિકળી છે. 23 નવેમ્બરે દેવઉઠી એકાદશીના દિવસથી લગ્નોની સીઝન શરૂ થઈ ગઈ છે. લગ્ન માટેની શુભ તારીખ 23, 24, 27, 28, 29 નવેમ્બર છે જ્યારે ડિસેમ્બરમાં 3, 4, 7, 8, 9 અને 15 તારીખ લગ્ન માટે શુભ છે. ત્યારબાદ છેક 15 જાન્યુઆરી પછી લગ્નની સીઝન શરૂ થશે અને છેક જુલાઈ સુધી ચાલશે.