Site icon Revoi.in

સંસ્કૃત ભાષાને લઈને જાણીતી લેખિકા ડો. મૃદુલ કિર્તીએ દેશવાસીઓને કરી ભાવુક અપીલ, જાણો શું કરી અપીલ

Social Share

નવી દિલ્હીઃ દેશમાં આગામી વસતી ગણતરીમાં પોતે જાણતા હોય તેવી ભાષામાં હિન્દી, ગુજરાત સહિતની ભાષાઓની સાથે સંસ્કૃતનો ઉલ્લેખ કરવા માટે દેશની જનતાને જાણીતી લેખિકા અને અનુવાદક ડો. મૃદુલ કિર્તીએ અપીલ કરી છે. તેમનું માનવું છે કે, ભલે આપણે લોકો સંસ્કૃત ભાષા રોજીંદા વ્યવહારમાં બોલતા નથી પરંતુ આપણે દરરોજ ભગવાનને પ્રાર્થના કરવાની સાથે મંત્રોચ્ચાર અને શ્લોક બોલીએ છે. આ ધાર્મિક વિધી ચોક્કસ પણે સંસ્કૃત ભાષામાં કરીએ છીએ. દેવતાઓની ભાષા સંસ્કૃતનો શુભ-અશુભ કાર્યોમાં પ્રયોગ કરવામાં આવે છે. જેથી વસ્તી ગણતરી કરવા આવતા અધિકારીના પત્રકમાં ખાસ કરીને આપણે સંસ્કૃત ભાષા જાણીએ છીએ, તેનો ઉલ્લેખ કરવો જોઈએ.

દેશની અંતિમ વસતી ગણતરી અનુસાર સંસ્કૃત બોલનારાઓની સંખ્યા સમગ્ર દેશમાં માત્ર બે હજાર હોવાનું સામે આવ્યું હતું. જ્યારે તેનાથી વિપરીત અરબી અને ફારસી ભાષા બોલનારાઓની સંખ્યા વધારે હતી. આ આધાર ઉપર ભાષાના વિકાસ માટે ફંડ આપવામાં આવે છે. જો આ વખતે સંસ્કૃત બોલનાર અને જાણનાર વ્યક્તિઓ ઓછા હશે તો સંસ્કૃત ભાષાને લુપ્ત થતી ભાષામાં સામેલ કરવામાં આવે તેવી શકયતા છે. જેથી ભારતની સંસ્કૃત ભાષાને બચાવવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

ડો. મૃદુલ કિર્તીએ જણાવ્યું હતું કે, સંસ્કૃતને ભારત વર્ષની સૌથી પ્રાચીન, સુંદર અને દિવ્ય ભાષા માનવામાં આવે છે. જેથી આ દૈવીય ભાષાને જીવીત રાખવાની જવાબદારી આ વખતે આપણી તમામની છે. આપણી નાની ભૂલના કારણે વસતી ગણતરી અધિકારીએ સંસ્કૃત ભાષાને લુપ્ત થતી ભાષામાં સામેલ કરી દીધી તો તેના પ્રચાર-પ્રસાર અને વિકાસ માટે સરકાર દ્વારા કોઈ ફંડ આપવામાં આવશે નહીં, અને આપણે સંસ્કૃત ભાષાને ગુમાવી દઈશું. જેથી આ વખતે વસતી ગણતરીમાં સંસ્કૃત ભાષાનો તમામ દેશવાસીઓએ ઉલ્લેખ કરવો જોઈએ. દેશવાસીઓના પ્રવાસોના કારણે જ આપણે સંસ્કૃત ભાષાને જીવીત રાખી શકીશું.

 

તેમણે કહ્યું કે, આપણે સનાતનિયોએ જ પોતાનું નુકશાન કર્યું છે, પરંતુ આ વખતે નુકશાનને ફાયદામાં બદલી શકાય છે. આ અંગે દેશની જનતામાં જાગૃતિ લાવવા માટે તમામ વ્યક્તિઓએ પ્રયાસ કરવા જોઈએ. ડો.મૃદુલ કિર્તીનો જન્મ ઉત્તરપ્રદેશના પીલીભીતીમાં થયો હતો અને મેરઠ વિશ્વવિદ્યાલયમાંથી વર્ષ 1991માં રાજનીતિ વિજ્ઞાન સાથે પીએચડી કરી હતી. તેમણે અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી હિન્દી સાહિત્યમાં એમએ અને આગ્રા યુનિવર્સિટીમાંથી રાજનીતિ વિજ્ઞાનમાં એમએ કર્યું છે.

ભારત ઉપરાંત અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પોતાનું નિવાસસ્થાન બનાવનારા 72 વર્ષીય ડો.મૃદુલા કિર્તીએ સંસ્કૃત ભાષામાં લખાયેલ પતંજલી યોગ, સાંખ્યયોગ, સોમવેદ, અષ્ટાવક્ર ગીતા સહિત 18 હિન્દુ મહાગ્રંથોનું હિન્દી અને વ્રજ ભાષામાં કાવ્યાત્મક અનુવાદ કર્યો છે. ડો. કિર્તીને ફિજીમાં આયોજીત 12માં વિશ્વ હિન્દુ સંમેલનમાં વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરએ વિશ્વ હિન્દી સમ્માનથી સમ્માનિત કર્યા હતા. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિડનીમાં ગત 23મી મેના રોજ ડો. કિર્તીના ઋષિ જન્ય સાંસ્કૃતિક ગ્રંથોના હિન્દી કાવ્યાનુવાદનનું વિમોચન કર્યું હતું.