અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદ શહેરમાં સામે આવી રહ્યાં છે. અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસ પશ્વિમ વિસ્તારમાં નોંધાઈ રહ્યાં છે. શહેરના જોધપુર, બોડકદેવ, સરખેજ અને થલતેજ વોર્ડ કોરોનાનું સેન્ટર બન્યું હોવાનું મનાઈ રહ્યું છે. શહેરમાં કોરોના ટેસ્ટીંગ અને રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થતા મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરી રોજના 2500 લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના ચાર દર્દી પૈકી બે વોર્ડમાં અને બે દર્દી ઓકિસજન ઉપર સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે. શહેરના જોધપુર ઉપરાંત નવરંગપુરા, બોડકદેવ સહિતના વોર્ડમાં કોરોનાના કેસ વધતા હોવાની સ્થિતિમાં લોકો ઘેર બેઠા ઉપચાર કરે છે. લોકો કોરોના ટેસ્ટ માટે જાતે અર્બન હેલ્થ સેન્ટર ઉપર જવાનું ટાળી રહ્યાનું મનાઈ રહ્યું છે. આ ઉપરાંત અનેક લોકોએ પ્રિકોશન ડોઝ પણ લીધો નહીં હોવાથી પોઝિટિવ કેસ વધી રહ્યાનું મનાઈ રહ્યું છે.
શહેરમાં પોઝિટિવ કેસમાં વધારો થયો રેલવે સ્ટેશન અને એસ.ટી બસ સ્ટેન્ડમાં ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારમાં ટેસ્ટીંગ ડોમ ઉભા કરવાનું મનપા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. બીજી તરફ કોરોના રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે.