નવી દિલ્હીઃ અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામજી મંદિર ભગવાન શ્રી રામજીની મૂર્તિનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું સ્વાગત કરવા માટે દરેક વ્યક્તિ વિવિધ રીતે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યો છે. આખો દેશ ઉત્સાહી છે અને આ શુભ દિવસે ભક્તો રામ લલાની ભક્તિમાં ડૂબી ગયા છે, એમ પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાવાસીઓને સ્વચ્છતા અભિયાન હાથ ધરવા માટે અપીલ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રી રામને સમર્પિત હંસરાજ રઘુવંશીનું ભજન પણ શેર કર્યું છે. એક X પોસ્ટમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામના સ્વાગતથી સમગ્ર દેશ ખુશ છે. રામ લલાની ભક્તિમાં ડૂબેલા ભક્તો આ શુભ દિવસે વિવિધ રીતે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ભગવાન શ્રી રામને સમર્પિત હંસરાજ રઘુવંશીજીનું આ ભજન સાંભળો…
અત્રે ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યાં છે. હાલ ભક્તો દ્વારા વિવિધ પવિત્ર વસ્તુઓ અયોધ્યા મોકલવામાં આવી રહી છે. તા. 23મી જાન્યુઆરીના રોજ ભક્તો ભગવાન શ્રી રામજીના દર્શન કરી શકશે. અયોધ્યા જવા માટે વિશેષ ટ્રેન સેવાઓ અને ટ્રેન વ્યવહાર શરુ કરવામાં આવ્યો છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ભવ્ય એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. અયોધ્યામાં હાલ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓને આવકારવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.