દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો હોવાથી ચાલુ વર્ષે સંસદનું શિયાળુ સત્ર નહીં હોવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સીધુ બજેટ સત્ર જ મળશે. મોટાભાગના રાજકીય પક્ષોએ શિયાળુ સત્ર નહીં બોલાવવા માટે સંમતિ દર્શાવતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
કેન્દ્ર સરકારના કૃષિ બિલનો દેશભરમાં ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. જેથી કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ શિયાળુ સત્ર બોલાવવાની માંગણી કરી હતી. તેમજ કૃષિ બિલ અંગે ચર્ચા કરવાની માંગણી કરી હતી. જો કે, સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ લોકસભાના કોંગ્રેસના નેતાને પત્ર લખ્યો છે કે, તમામ રાજકીય પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કોરોના મહામારીને પગલે સત્ર નહીં બોલાવવાનો તમામ પાર્ટીઓએ મત વ્યક્ત કર્યો છે. તેમજ સંસદનું બજેટ સત્ર જાન્યુઆરીમાં યોજાશે. પ્રહલાદ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, ચોમાસુ સત્રમાં પણ વિલંબ થયો હતો. અત્યારની સ્થિતિમાં કોરોના વાયરસના કેસ દિલ્હીમાં વધી રહ્યાં છે. તેમજ આગામી દિવસોમાં તેની રસી પણ આવી જવાની શકયતા છે.