Site icon Revoi.in

અમદાવાદમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને રોમિયોને પકડવા સતત વોચ રાખશે

Social Share

અમદાવાદઃ ગુજરાતભરમાં આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થશે. નાના-મોટા તમામ શહેરોમાં પાર્ટી પ્લોટ્સ, કલબો, તેમજ સોસાયટીઓમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં આજે પ્રથમ દિવસથી નવરાત્રિ દરમિયાન પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ઉપરાંત મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને રોમિયોને પકડવા માટે વોચ રાખશે.

અમદાવાદ શહેરમાં કોરોના લઈ બે વર્ષ બાદ નવરાત્રિની  ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે. નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા વ્યવસ્થાને લઈ  શહેર પોલીસે એક્શન પ્લાન ધડી દીધો છે. નવરાત્રીમાં યુવતીઓના છેડતી કરનારા રોમિયોને પકડવા માટે મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં વોચ કરશે.ઉપરાંત નવરાત્રિના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાને પરિસ્થિતિ જાળવવા માટે શહેર પોલીસ દ્વારા તમામ તકેદારીઓ રાખવામાં આવશે. આ ઉપરાંત નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષાને લઈને શહેરના તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ શી ટીમ તૈનાત રહેશે. આની સાથે જ મહિલા પોલીસ દ્વારા પાર્ટી પ્લોટ પર ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે રહેશે અને રોમિયોગીરી કરનારા પર વોચ રાખશે. જેમાં ખાસ સિંધુભવન, એસ.જી હાઇવે  અને એસ.પી રિંગરોડ પર આવેલા ક્લબ અને પાર્ટી પ્લોટ્સ પર મહિલા પોલીસની ટીમ તૈનાત રહેશે.

અમદાવાદ શહેરમાં આ વર્ષે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે જેને લઈ શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં અનેક છૂટછાટ આપવામાં આવી છે કે રાત્રે 12 વાગ્યે સુધીની ગરબાની મંજૂરી આપવામાં આવી છે. અડચણરૂપ પાર્કિંગ કરનારા અને નો પાર્કિગમાં વાહન પાર્ક કરનારા વાહનો પોલીસ ટોઇંગ કરી લઈ જશે. તેની સાથે જ કોમર્શિયલ ગરબાને લઈ સંચાલકે સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવી ફરજિયાત રાખવાનો આદેશ આપ્યો છે ત્યારે શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં સૌથી મોટા ગરબાનું આયોજન કરાયું છે.  જ્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે . જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગરબામાં હાજરી આપવાના હોવાથી પ્રોટોકોલ મુજબ સુરક્ષા વ્યવસ્થા ગોઠવામાં આવી છે.