દિલ્હીઃ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝન શુક્રવારથી શરૂ થશે. IPLની જેમ જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગયા વર્ષે મહિલાઓ માટે T20 લીગ શરૂ કરી હતી. અગાઉ પણ બોર્ડે આવી ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું, પરંતુ તેને 2023માં IPL જેવું ફોર્મેટ આપવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં છેલ્લી વખત ફાઈનલ રમનાર બે ટીમો સામસામે ટકરાશે. દિલ્હી કેપિટલ્સનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે.
વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝન શુક્રવાર (23 ફેબ્રુઆરી)થી શરૂ થશે. ટાઇટલ મેચ 17 માર્ચે રમાશે. પ્રથમ વખત મહિલા પ્રીમિયર લીગ દેશના બે શહેરોમાં રમાશે. ગત વખતે મુંબઈના બે મેદાન પર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે ટુર્નામેન્ટની મેચો બેંગલુરુ અને નવી દિલ્હીમાં રમાશે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઉદ્ઘાટન સમારોહ અને ઉદ્ઘાટન મેચ સહિત 11 મેચોનું આયોજન કરાયું છે. એલિમિનેટર અને ફાઈનલ સહિત 11 મેચ દિલ્હીમાં રમાશે.
આ વખતે ટૂર્નામેન્ટના ફોર્મેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગત વખતની જેમ કુલ 22 મેચો રમાશે. પાંચમાંથી દરેક ટીમ અન્ય ચાર ટીમો બે વખત રમે છે. ટેબલ-ટોપર્સ સીધા ફાઈનલ માટે ક્વોલિફાય થાય છે, જ્યારે બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો એલિમિનેટરમાં ટકરાશે. આ વખતે છેલ્લી વખત ફાઇનલમાં પહોંચેલી બંને ટીમો ઉદ્ઘાટન મેચમાં સામસામે ટકરાશે. મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. જે બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બીજા દિવસે યુપી વોરિયર્સ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. પાંચમી ટીમ ગુજરાત જાયન્ટ્સ તેના અભિયાનની શરૂઆત ત્રીજા દિવસે મુંબઈ સામેની મેચથી કરશે.
બીજી તરફ કોઈપણ ટીમના કેપ્ટનમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. કમાન હરમનપ્રીત કૌર (મુંબઈ ઈન્ડિયન્સ), મેગ લેનિંગ (દિલ્હી કેપિટલ્સ), સ્મૃતિ મંધાના (રોયલ ચેલેન્જર્સ બેંગલોર), એલિસા હીલી (યુપી વોરિયર્સ) અને બેથ મૂની (ગુજરાત જાયન્ટ્સ)ના હાથમાં છે. આ વખતે વિમેન્સ પ્રીમિયર લીગની તમામ મેચો સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ગત વખતની જેમ આ વખતે એક પણ ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) નથી.