લખનૌઃ ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂખલન તથા મકાનોમાં તિરાડ પડવાની ઘટનાથી તંત્ર હરકતમાં આવ્યું છે. લગભગ 600 જેટલા મકાનોમાં તિરોડો પડી છે જેથી અહીં વસવાટ કરતા લોકો મુશ્કેલીમાં મુકાયાં છે. આ મકાનોમાં વસવાટ કરતા અનેક પરિવારોએ સ્થળાંતર કર્યું છે. બીજી તરફ તંત્ર દ્વારા ભયજનક ઈમારતોને તોડી પાડવાની કવાયત શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા બુલડોઝરની મદદથી બે હોટલ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરાખંડના જોશીમઠમાં ઉભી થયેલી કુદરતી આપત્તીને પગલે રાજ્ય અને કેન્દ્ર સરકાર ચિંતામાં મુકાઈ છે. પીએમઓએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને હાઈલેવલની બેઠક બોલાવી હતી. જેમાં જોશીમઠની પરિસ્થિતિને લઈને સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ તંત્ર દ્વારા જોખમી ઈમારતોને તોડી પાડવા માટે કવાયત શરૂ કરાઈ છે. તેમજ અહીં વસવાટ કરતા પરિવારજનોને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યાં છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બે હોટલોને જમીનદોસ્ત કરવાની કવાયત શરૂ કરાઈ છે. બીજી તરફ અનેક પરિવારો છત્ત ગુમાવતા તેમની મુશ્કેલી વધી છે.