પાલનપુરઃ ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શનનું કામ પૂર્ણ થયું છે. નડાબેટ બોર્ડર પર દેશવાસીઓ સીમા દર્શન કરી શકે તથા આ વિસ્તારનો પ્રવાસન ધામ તરીકે વિકાસ થાય તેવો ઉદ્શ્યથી નડાબેટ વિસ્તારનો વિકાસ કરવામાં આવ્યો છે. નડાબેટ સીમા દર્શનનું કાર પૂર્ણ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સીમાદર્શન પ્રોજેકટનું લોકાર્પણ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આ અંગે બીએસએફના ડીઆઇજીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનને લોકાર્પણ કરવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવશે. નોંધનીય છેકે 100 કરોડથી વધુના ખર્ચે સીમા દર્શન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રવાસન વિભાગ અને બીએસએફએ સીમા દર્શન પ્રોજેક્ટનો વિકાસ કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લો પાકિસ્તાનની સરહદે આવેલો છે. ભારત અને પાકિસ્તાનની આ સરહદ પર લશ્કરી જવાનો તૈનાત કરાયેલા છે. જોકે સામાન્ય લોકોને જવા દેવામાં આવતા નથી. ઘણા લોકોને બન્ને દેશો વચ્ચેની સરહદ કેવી હોય તે અંગે પ્રશ્ન થયો હોય છે. ત્યારે લોકો મુક્તમને સરહદને નિહાળી શકે તે માટે નડાબેટ બોર્ડરનો પ્રવાસન ધામ તરીકે બહુવિધ વિકાસ કરાયો છે. જેમાં પ્રવાસીઓ માટે આગમન પ્લાઝા, પાર્કિંગ, ઓડિટોરિયમ રિટેઇનીંગ વોલ અને પીવાના પાણીની સુવિધા તેમજ ટોયલેટ બ્લોકસના કામો પૂર્ણ થઇ ગયા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, નડાબેટ પ્રવાસન સ્થળને સૌર ઊર્જાથી પ્રકાશિત કરવા 14 જેટલા સોલાર ટ્રી લગાવવાની કામગીરી સીમાદર્શન-બોર્ડર ટૂરિઝમ પ્રોજેકટમાં હાથ ધરાઇ હતી. તથા, સીમાદર્શન માટે આવનારા સૌ પ્રવાસીઓ સુરક્ષાદળો-સેનાની સજ્જતાથી ભલિભાંતિ પરિચિત થાય તે માટે ટી જંકશનથી ઝીરો પોઇન્ટ સુધીના માર્ગ પર પ્લેટફોર્મ બનાવીને સરફેસ ટુ સરફેસ મિસાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ, ૫૫ ટેન્ક, આર્ટીલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેન્ક અને મિગ-૨૭ એરફ્રાફટ ડિસપ્લે કરવામાં આવી છે.