અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે.અને કોરોનાની ગાઈડલાઈન્સને 31મી ઓગસ્ટ સુધી વધારી છે. સાથે ગણેશ મહોત્સવની ઊજવણીની હાલની સ્થિતિને ધ્યાને રાખીને હાલ પૂરતી છૂટ આપી છે. ત્યારે અમદાવાદમાં ગણેશ મૂર્તિ બનાવવા માટે જાણીતા ગુલબાઈ ટેકરા ખાતે મૂર્તિ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. અહીં પાંચ હજાર કારીગરો મૂર્તિ બનાવીને રોજગારી મેળવતા હતા. પણ સરકાર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)ની મૂર્તિ પર પ્રતિબંધ લાદયો હોવાથીમાટીની મૂર્તિ માંડ પાંચ ટકા બનાવી શકે છે. બાકીના શ્રમજીવી કારીગરો બેકારનો સામનો કરી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં ગુલબાઈ ટેકરા વિસ્તારનો કેટલોક ભાગ હોલીવુડ તરીકે ઓળખાય છે. અહીં વસતા બાવરી સમાજના લોકો મૂર્તિઓ બનાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં મોટાભાગે ગણેશોત્સવ પહેલા ગણેશજીની મૂર્તિઓની સારી માગ રહેતી હોય છે. કેટલાક પરિવારો તો આ સીઝનમાં મૂર્તિઓ બનાવીને વર્ષભરનું કમાઈ લેતા હતા. પણ સરકારે પીઓપીમાંથી મૂર્તિઓ બનાવવા પર પ્રતિબંધ મુકતા હવે માટીમાંથી જ મૂર્તિઓ બનાવવી પડે છે. એક મુર્તિકારે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે અહીંના તમામ કારીગરો બેકાર બન્યા છે. આ મૂર્તિ બનાવવાનો અમારો મૂળ ધંધો છે. હું 35 વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલો છું. અમારે વર્ષમાં એક જ વાર આવો અવસર આવે. જ્યારે અમે અમારી કલા અને મહેનતથી પૈસા કમાઈએ છીએ. પરંતુ તેમાં હવે કોરોના અમને નડ્યો છે. અમે 5 હજાર કારીગર આ વિસ્તારમાં રહીએ છીએ. જે બધા POPની મૂર્તિ બનાવનાર કારીગર છીએ. હવે સરકાર કહે છે, માટીની મૂર્તિ જ બનાવવાની જે ખૂબ જ મુશ્કેલ છે. જેથી હવે લોકો આ વ્યવસાયમાં રસ દાખવતા નથી. અમારા જ મૂર્તિકારે 5 મહિનામાં 20 મૂર્તિ જ બનાવી શક્યા છે, એ પણ માટીની જેમાં અવારનવાર મૂર્તિને ટચિંગ કરવું પડે છે. સરકાર POPની મૂર્તિને મજૂરી આપવી જોઈએ. અન્ય એક મૂર્તિકારે જણાવ્યું હતું કે, તે દર વર્ષે 6 મહિના અગાઉ ઓર્ડર મુજબ મૂર્તિ બનાવાનું કામ કરતા હતા. આ વખતે કોઈ ઓર્ડર આપવા માટે આવ્યું નથી. આ ગણેશોત્સવના એક મહિના પહેલા અમારા ત્યાં અવસર જેવો માહોલ હોય દિવસરાત અમે POPની મૂર્તિ બનાવવા માટે કામ કરતા અને મહેનતથી પૈસા કમાતા હતા. હવે માટીની મૂર્તિ બનાવનારા કારીગરો ઓછા છે, જેમાં અમને ઘણું નુકસાન થાય છે. સમય પણ વધારે જાય છે. કોઈ મૂર્તિ લઈ જાય તો તેમાં પણ માટીની મૂર્તિના કારણે તેઓ ટચિંગ કરવું પડે છે.