કચ્છમાં ઉનાળા દરમિયાન નાગરિકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે કામો ત્વરિત પૂર્ણ કરાશે
ભૂજઃ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ કચ્છના જિલ્લાના માંડવી, મુન્દ્રા અને નખત્રાણા તેમજ ભુજ તાલુકામાં કાર્યરત પાણી પુરવઠા અને સિંચાઈના વિવિધ વિકાસકાર્યોની મુલાકાત લીધી હતી. મંત્રીએ વિકાસકાર્યો અંગે ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતવાર જાણકારી મેળવીને કામોને નિયત સમયમાં પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. મંત્રીએ સુજલામ સુફલામ અંતર્ગત ચાલી રહેલા કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું.
પાણી પુરવઠા વિભાગના મંત્રી બાવળિયાએ કચ્છ જિલ્લાના માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને ભુજ તાલુકાના મોટી ભૂજપુર, બિદડા, ડોણ, રાજડા, ગઢશીશા વગેરે ગામોમાં ચાલી રહેલા સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોની મુલાકાત લઈને જાત નિરીક્ષણ કર્યું હતું. આગામી ઉનાળામાં કોઈપણ નાગરિકોને પીવાના પાણીની અછત ના પડે તે રીતે આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા મંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી. મુલાકાત દરમિયાન ગામ લોકોની સાથે સંવાદ કરીને મંત્રીએ પાણી વિતરણ અંગેના પ્રશ્નો સાંભળીને તેનું તાત્કાલિક નિવારણ આવે તે દિશામાં કામગીરી કરવા અધિકારીઓને જણાવ્યું હતું.
આ પ્રસંગે વિવિધ ગામના સરપંચો, તાલુકા પંચાયતના સદસ્ચો, અધિક કલેક્ટર ચેતન ગણાત્રા, પાણી પુરવઠા વિભાગ ગાંધીનગરના મુખ્ય ઇજનેર નિરવ સોલંકી, સેક્શન અધિકારી આશિષ મિત્રા, કચ્છ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ ઉચ્ચ અધિકારીઓ પી.એન.નાગર, પી.પી.વાળા, વિશાલ ગઢવી સહિત પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે. કે, કચ્છના કેટલાક ગામડાંઓમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાતી હોય છે. પાણી પુરવઠા વિભાગે અંતરિયાળ ગામોમાં પણ પાણી પહોંચાડવાનું આયોજન કર્યુ છે. તેના કામો ચાલી રહ્યા છે. આ તમામ કામોને ઉનાળા પહેલા પૂર્ણ કરવા મંત્રી કૂંવરજી બાવળિયાએ અધિકારીઓને સુચના આપી હતી.