અમદાવાદઃ રાજ્યના સૌથી મોટા અને મેટ્રો ગણાતા અમદાવાદ શહેરનો વિકાસ છેલ્લા એક દાયકામાં હરણફાળ ભરી રહ્યો છે. શહેરની વસતી વધવાની સાથે વિસ્તારમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના વિકાસ માટે વર્લ્ડ બેન્ક દ્વારા અપાતી લોનમાં અમદાવાદની પ્રથમ પસંદગી થઈ છે. ગુજરાત રેઝિલિયન્સ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ મહાનગરને વર્લ્ડ બેન્ક દ્વારા રૂ. ત્રણ હજાર કરોડની લોન અપાશે. વર્લ્ડ બેન્ક દ્વારા ફાળવવામાં આવનારી લોનમાંથી વિવિધ માળખાકીય સુવિધાઓના વિસ્તરણ-નવિનીકરણ-નવ નિર્માણ અને ટેક્નોલોજી અપગ્રેડેશનના કામો હાથ ધરાશે. આ માટે વર્લ્ડ બેન્કનું પ્રતિનિધિ મંડળ જુલાઇ-2022 સુધીમાં લોન અંગેની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી દેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેશના વિકસતા શહેરો માટે વર્લ્ડ બેન્ક દ્વારા આ પ્રોગ્રામ અન્વયે વિવિધ માળખાકીય સુવિધા વિકાસ કામો માટે લોન આપવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાતમાં અમદાવાદને પ્રથમ પસંદગી તરીકે વર્લ્ડ બેન્ક દ્વારા આ લોન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આ સંદર્ભમાં વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ સાથે શહેરી વિકાસ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની ઉચ્ચસ્તરિય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગરને ગુજરાત રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત વર્લ્ડ બેન્ક દ્વારા અંદાજે ૩ હજાર કરોડ રૂપિયાની લોન આપવાનું સૈદ્ધાંતિક રીતે નિયત કરવામાં આવ્યું છે.
રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અન્વયે સસ્ટેઇનેબલ અને સમયાનુકુલ વિકાસ કામો ભવિષ્યના લાંબાગાળાના આયોજન સાથે હાથ ધરવા સંબંધિત મહાનગરપાલિકાઓને વર્લ્ડ બેન્ક દ્વારા લોન આપવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ અંગે હાથ ધરવામાં આવેલા જુદા જુદા પ્રોજેક્ટ્સની રૂપરેખા સાથેનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરની આગામી 2050 ના વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્રોજેકટ્સ હાથ ધરવામાં આવેલા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વર્લ્ડ બેન્ક દ્વારા રૂ. ૩૦૦૦ કરોડની જે લોન અમદાવાદને ફાળવવામાં આવશે તે અંતર્ગત જે કામો-પ્રોજેકટ્સ હાથ ધરવાના થાય છે. તેમાં હયાત એસ.ટી.પી.ની કેપેસિટીમાં વધારો અને ટેક્નોલોજી અપગ્રેડેશન, નવા એસ.ટી.પી ના નિર્માણ, ઇન્ડસ્ટ્રીયલ રિયુઝ માટે ટર્શરી ટ્રિટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ, હયાત મુખ્ય ડ્રેનેજ લાઇનોના રિહેબિલિટેશન અને નવા માઇક્રો ટનલીંગ લાઇનોના કામ, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ અને તળાવ ડેવલપમેન્ટ તથા તેની સાચવણી અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનના કામોનો સમાવેશ થાય છે