નવરાત્રિ મહોત્સવઃ રુપાલ ગામે વરદાયિની માતાના મંદિરની વિશ્વ પ્રસિદ્ધ પલ્લી યાત્રા નીકળી
અમદાવાદઃ નવરાત્રિના અંતિમ દિવસે ગાંધીનગરના રુપાલ ગામે વરદાયિની માતાના મંદિરની વિશ્વ પ્રસિદ્ધ પલ્લી યાત્રા નીકળી હતી. આસો સુદ નોમની રાત્રે નિકળતી પલ્લી ગામના 27 ચોકમાં ફરીને મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી. ઘીના અભિષેકની વર્ષોની પરંપરા અકબંધ રહી હતી. હજારો માઈ ભક્તો દર્શનાર્થ ઉમટ્યા હતા
ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માં ની પલ્લી ભરવામાં આવી હતી. આધ્યશક્તિ નવદુર્ગાના બીજા સ્વરૂપ સમાં અવતાર તરીકે વરદાયિની માં ની પૂજા થાય છે. ગાંધીનગરના રૂપાલ ગામે માતાની પલ્લી કાઢવાની પરંપરા પાંડવોના સમયથી ચાલતી આવે છે. ગામના સુથાર અને લુહાર સમુદાય દ્વારા માતાજીની પલ્લી તૈયાર કરવામાં આવે છે. જ્યારે પ્રજાપતિ સમુદાયના લોકો પલ્લીના કુંડા બનાવે છે. માળી સમાજ દ્વારા પલ્લીને ફુલોથી શણગારવામાં આવે છે તથા રાજપૂત સમુદાયના લોકો ઊંધા મુખે ખુલ્લી તલવારથી પલ્લીની રક્ષા કરે છે. આ પલ્લી ગામમાં 27 ચોકમાં ફરીને મંદિરે પ્રસ્થાપિત કરવામાં આવે છે. પલ્લી ની જ્યોત પૂનમ સુધી પ્રજ્વલિત રહે છે. ગામના તમામ ચોક પાસે મૂકેલા પીપ તથા વિવિધ પાત્રોમાં લોકો પોતે પોતાની માનતાનું ઘી ચઢાવે છે.
રૂપાલમાં માતાજીની પલ્લી યાત્રા નીકળી હતી. બીજી તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. તેમજ હજારો કિલો ઘી માતાજીની પલ્લી ઉપુર ચડાવવામાં આવ્યું હતું. દરમિયાન આજે રાજ્યભરમાં દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ સહિતના શહેરોમાં રાવણના પૂતળાના દહનનું આયોજન કરવામાં આવ્યું હતું.