Site icon Revoi.in

બદલાતા ભારતને જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે: PM મોદી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન મંગળવારે પીએમ મોદીએ રશિયાના મોસ્કોમાં એક કોમ્યુનિટી પ્રોગ્રામમાં હાજરી આપી હતી. અહીં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીને સાંભળવા ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કર્યા હતા. 

લોકોને શુભેચ્છા પાઠવતા પીએમ મોદીએ કહ્યું, હું એકલો નથી આવ્યો, હું મારી સાથે ઘણું બધું લઈને આવ્યો છું. હું મારી સાથે ભારતની માટીની સુવાસ લઈને આવ્યો છું. હું મારી સાથે 140 કરોડ દેશવાસીઓનો પ્રેમ લઈને આવ્યો છું, મોદીએ કહ્યું કે, ત્રીજી વખત સત્તામાં આવ્યા પછી, અહીં ભારતીય ડાયસ્પોરા સાથે મારો પ્રથમ સંવાદ થયો છે.
 

પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે 9 જુલાઈ છે, મને શપથ લીધાને એક મહિનો થઈ ગયો છે. આજથી બરાબર એક મહિના પહેલા મેં ભારતના પીએમ તરીકે શપથ લીધા હતા.

વધુમાં તેમણે કહ્યું હતું કે, મેં એ જ દિવસે પ્રતિજ્ઞા લીધી હતી કે મારી ત્રીજી ટર્મમાં હું ત્રણ ગણી તાકાત અને ત્રણ ગણી ઝડપ સાથે કામ કરીશ. લોકોને સંબોધતા પીએમએ જણાવ્યું કે કેવી રીતે ભારત વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે.

પીએમે કહ્યું કે, આ પણ સંયોગ છે કે સરકારના ઘણા લક્ષ્યાંકોમાં નંબર 3નો આંકડો છે. ત્રીજી ટર્મમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું સરકારનું લક્ષ્ય છે. સરકારનું લક્ષ્ય ત્રીજી ટર્મમાં ગરીબો માટે 3 કરોડ ઘર બનાવવાનું છે. સરકારનું લક્ષ્ય ત્રીજી ટર્મમાં 3 કરોડ લાખપતિ દીદીઓ બનાવવાનું છે.

PM એ એમ પણ કહ્યું હતું કે, ભારત આજે જે પણ લક્ષ્ય નક્કી કરે છે, તે સફળ રહે છે. આજે ભારત એ દેશ છે જેણે ચંદ્રયાનને ચંદ્ર પર મોકલ્યું છે જ્યાં વિશ્વનો કોઈ પણ દેશ પહોંચી શક્યો નથી આજે ભારત એવો દેશ છે જે વિશ્વને ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું સૌથી વિશ્વસનીય મોડલ આપી રહ્યું છે. આજે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવતો દેશ છે. 2014માં દેશમાં માત્ર થોડાક સો સ્ટાર્ટઅપ હતા, આજે તેમની સંખ્યા લાખોમાં છે. આજે ભારત એક એવો દેશ છે જે રેકોર્ડ સંખ્યામાં પેટન્ટ ફાઇલ કરી રહ્યો છે અને સંશોધન પત્રો પ્રકાશિત કરી રહ્યો છે. આ મારા દેશના યુવાનોની શક્તિ છે.

પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં દેશ દ્વારા જે વિકાસ થયો છે તે જોઈને વિશ્વ આશ્ચર્યચકિત છે. જ્યારે વિશ્વના લોકો ભારતમાં આવે છે, ત્યારે તેઓ કહે છે કે ‘ભારત બદલાઈ રહ્યું છે’ તેઓ સ્પષ્ટપણે ભારતના કાયાકલ્પને, ભારતના પુનઃનિર્માણને જોઈ શકે છે. ભારત બદલાઈ રહ્યું છે કારણ કે… ભારત તેના 140 કરોડ નાગરિકોની ક્ષમતામાં વિશ્વાસ રાખે છે.

પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે, 2014 પહેલા આપણે નિરાશાના ખાડામાં ગરકાવ થઈ ગયા હતા. પરંતુ આજે દેશ આત્મવિશ્વાસથી ભરેલો છે. તમે પણ તાજેતરમાં T20 વર્લ્ડ કપમાં ભારતની જીતની ઉજવણી કરી હશે. વર્લ્ડ કપ જીતવાની વાસ્તવિક વાર્તા પણ વિજયની સફર છે. આજનો યુવા અને આજનો યુવા ભારત છેલ્લા બોલ અને છેલ્લી ક્ષણ સુધી હાર માનતો નથી. જેઓ હાર સ્વીકારવા તૈયાર નથી તેમના પગને જ જીત ચુંબન કરે છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, રશિયા શબ્દ સાંભળતા જ દરેક ભારતીયના મગજમાં પહેલો શબ્દ આવે છે તે છે ભારતના સુખ-દુઃખનો સાથી, ભારતનો વિશ્વાસુ મિત્ર. રશિયામાં શિયાળાની ઋતુમાં તાપમાન માઈનસથી કેટલું પણ નીચે જાય, ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા હંમેશા પ્લસ, હૂંફથી ભરેલી રહી છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, આ સંબંધ પરસ્પર વિશ્વાસ અને પરસ્પર સન્માનના મજબૂત પાયા પર બનેલો છે. હું ખાસ કરીને ભારત-રશિયા મિત્રતા માટે મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનના નેતૃત્વની પ્રશંસા કરીશ. બે દાયકાથી વધુ સમયથી આ ભાગીદારીને મજબૂત બનાવવામાં તેમણે ઘણું સારું કામ કર્યું છે. હું છેલ્લા 10 વર્ષમાં છઠ્ઠી વખત રશિયા આવ્યો છું અને આ વર્ષો દરમિયાન અમે 17 વખત એકબીજાને મળ્યા છીએ.