રાજકોટ: હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી ત્યારે આજે રાજકોટમાં ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના કાલાવડ રોડ,યાગ્નિક રોડ,મોરબી રોડ સહીતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરુ થતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.
રાજકોટમાં સવારે તડકો હતો જયારે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો.શહેરમાં કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરુ છે.વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
હજુ ગઈકાલે જ રાજકોટમાં સાંજના સમયે કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે આજે બપોર બાદ ફરી ધોધમાર વરસાદ શરુ થતા જગતનો તાત ચિંતિત બન્યો છે.
છેલ્લા ઘણા સમયથી દેશભરમાં વાતાવરણમાં પલટો આવતા કેટલાક રાજ્યમાં ભર ઉનાળામાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોનો તૈયાર થયેલો અને લણણી કરેલા પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ખેડૂતોની હાલત કફોડી બની છે.
થોડા દિવસ પહેલા પણ માવઠાનાં કારણે ખેડૂતોને નુકશાન થયું હતું, જેમાં ઘઉં, કપાસ, ધાણા, વરીયાળી, જીરું જેવા પાકને ભારે નુકશાન થયું છે, ત્યારે ફરીવાર કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી જે આપવામાં આવી હતી અને તેના કારણે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે.