ભાવનગરઃ ગુજરાતમાં અન્ય શહેરોની જેમ ભાવનગરનો સર્વાંગી વિકાસ થયો નથી. જો ભાવનગરમાં વધુ ઉદ્યોગો આવે તો જ લોકોને પુરતી રોજગારી મળી રહે તેમ છે. કારણ કે ભાવનગર શહેર કે જિલ્લામાં કોઈ મોટો ઉદ્યોગ નથી. અલંગનો શીપબ્રેકિંગ ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. ત્યારે ભાવનગરમાં વિશ્વનું પ્રથમ સીએનજી ઈમ્પોર્ટ ટર્મિનલ સ્થપાશે. જેના લીધે ટર્મિનલ કાર્યરત થતાં જ નવા નવા ઉદ્યોગો સ્થપાશે. અને રોજગારીનું નવું સર્જન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે સીએનજી ઈમ્પોર્ટ ટર્મિનલનું ખાતમૂહુર્ત કરશે.
ગુજરાતને વધુ એક મહત્વપૂર્ણ પ્રોજેકટ મળ્યો છે. વિશ્વનું સૌપ્રથમ સીએનજી ઈમ્પોર્ટ ટર્મિનલ ભાવનગરમાં સ્થપાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29મીએ સીએનજી ટર્મિનલનું ખાતમુર્હુત કરશે. દેશમાં કલીન એનર્જીની વધતી ડીમાંડ વચ્ચે 400 કરોડના ખર્ચે સ્થપાનારા આ પ્રોજેકટથી ઉર્જા ક્ષેત્રે વૈકલ્પિક સ્ત્રોત ઉભો થશે. સીએનજી ટર્મીનલ સ્થાપવા માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડે ખાનગી કંપની સાથે વાયબ્રન્ટ સમીટ 2019માં કરાર કર્યા હતા. પોર્ટનુ બાંધકામ આવતા વર્ષે શરૂ થવાની શકયતા છે અને 2026માં કાર્યરત થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરમાં સ્થપાનારા સીએનજી ટર્મીનલ પોર્ટમાં વિશ્વની ચોથા નંબરની સૌથી મોટી લોક ગેઈટ સીસ્ટમ હશે. આ લોકગેટ બંધ થયા બાદ દરિયાઈ મોજાની થપાટથી લાંગરેલી શીપને કોઈ નુકશાન થતુ નથી. આ પ્રોજેકટથી વ્હીકલ સ્ક્રેપીંગ, કન્ટેનર પ્રોડકશન જેવા પ્રોજેકટોને પણ લાભ થશે. સીએનજી પોર્ટમાં અત્યાધુનિક કન્ટેનર ટર્મીનલ, બહુહેતુક ટર્મીનલ તથા રસ્તાને જોડતા લીકવીડ ટર્મીનલ પણ હશે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ પોર્ટની ક્ષમતા 5થી6 મીલીયન મેટ્રીક ટનની હશે. બ્રિટન સ્થિત ફોરસાઈટ ગ્રુપ તથા પદ્મનાભ મફતલાલ ગ્રુપની ખાનગી માલીકી હતી. ભાવનગર બંદર માટે વ્યુહાત્મક છે અને આ પ્રોજેકટ થકી વિકાસના નવા દ્વાર ખુલશે. આગામી દાયકો ભાવનગરનો હશે તેમ કહી શકાય. ભાવનગરના જીલ્લા કલેકટર યોગેશ નિર્ગુડેએ કહ્યું કે શહેરથી આઠ કીમી દુરના વર્તમાન પોર્ટનું જ નવુ ટર્મીનલ એકસટેન્શન હશે. ભાવનગર બંદરે એક લોકગેટ છે. હવે બે નવા લોકગેટ થશે. ગેટલોક થયા બાદ દરિયાઈ મોજાથી શીટને કોઈ નુકશાન નહીં થાય.